ગાંધીનગરઃ રાજ્ય સરકાર વિકાસના કામોને ગતિ આપી રહી છે. અમદાવાદ સહિત મહાનગરોના વિકાસ માટે સરકાર કટિબદ્ધ બની છે. અને શહેરોના વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ ત્રણ મહાનગરોમાં કુલ 609 કરોડના 124 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરમાં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી આપી છે. તદ્દઅનુસાર, ભૌતિક આંતરમાળખાકીય વિકાસના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા પાણી પૂરવઠાના અને સી.સી. રોડના 60 કામો માટે રૂ. 407.43 કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના 42 કામોમાં લાયબ્રેરી, ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન, વોર્ડ ઓફિસ, સિવીક સેન્ટર, કોમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર મલ્ટીલેવલ પાર્કીંગ, પબ્લીક હેલ્થ લેબોરેટરી વગેરે માટે 149.64 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
સુરત મહાનગરમાં ફલાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલીટીના 6 કામો માટે રૂ. 20 કરોડ અને આગવી ઓળખના કામ તરીકે 1 સ્વીમીંગ પૂલના કામોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના 5 કામો માટે રૂ. 10.45 કરોડ, પાણી પૂરવઠાના 6 કામો માટે 10.14 કરોડ તથા આંગણવાડીના 1 કામ માટે રૂ. 20 લાખ એમ સમગ્રતયા 12 કામો માટે 20.79 કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.
પાટનગર ગાંધીનગર મહાનગરમાં પણ શહેરી સડક યોજનાના 3 કામો માટે રૂ. 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. ચાર ટી.પી સ્કીમમાં અસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસીંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે. રાજ્યના નગરો, મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામોની સંબંધિત નગરો-મહાનગરોની દરખાસ્તને ત્વરાએ સૈદ્ધાંતિક મંજૂરી આપવાના મુખ્યમંત્રીના આ અભિગમથી શહેરી જનસુખાકારીના કામોમાં નવી દિશા મળી છે.