Site icon Revoi.in

રાજકોટ ST ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસની ફાળવણી, નવી બસો લાંબા રૂટ પર દોડાવાશે

Social Share

રાજકોટઃ પ્રવાસીઓના વધતા જતાં ધસારાને લીધે રાજ્યના તમામ એસટી ડેપોને નવી બસો ફાળવવામાં આવી રહી છે. જેમાં રાજકોટ એસટી ડિવિઝનને વધુ 20 ડિલક્ષ બસોની ફાળવણી કરવામાં સુપર ડિલક્ષ બસોની સંખ્યા વધીને 280ની થઈ છે. જે 20 નવી બસો મળી છે. તેને ડિવિઝન દ્વારા રાજકોટ અને વાંકાનેર ડેપોને 4-4 બસ, તથા ગોંડલ,મોરબી, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, જસદણ ડેપોને બે-બે નવી બસની ફાળવણી કરી દેવામાં આવી છે.

રાજકોટ એસટી ડિવિઝનને 52 સીટરની નવી સુપર ડિલકસ 20 બસોની ફાળવણી કરાતા ડ્રાઈવર-કંડકટરોને નરોડા વર્કશોપ ખાતે નવી બસની ડિલિવરી લેવા માટે મોકલ્યા હતા. રાજકોટ ડિવિઝનને મળેલી નવી તમામ સુપર ડિલકસ બસો લાંબા રૂટ ઉપર દોડાવવામાં આવશે. આ સાથે જ રાજકોટ એસટી ડિવિઝનની સુપર ડિલક્સ બસોની સંખ્યા વધીને 280 થઈ છે. રાજકોટ એસટી ડિવિઝનને આપવામાં આવેલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. કારણ કે હાલ લોકસભા ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા લાદવામાં આવી છે. જેનો ભંગ ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે.

એસટી તંત્રનાં સુત્રોએ ઉમેર્યું હતું કે, થોડા દિવસો પહેલાં રાજકોટ એસટી ડિવિઝનને નવી 22 બસની ફાળવણી કરવામાં આવ્યા બાદ હવે 20 નવી 52 સીટર સુપર ડિલક્સ એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. નવી બસો ઉમેરાતા રાજકોટથી અમદાવાદ, કચ્છ, ભાવનગર, સુરત, વડોદરા સહિતના રૂટ પરથી ફ્રિકવન્સી વધી જશે જેનો ફાયદો મુસાફરોને થશે. જેથી લાંબા રૂટ ઉપર જતા મુસાફરો આરામદાયક સવારી કરી શકશે.  ઉનાળુ વેકેશનને લીધે પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી નવી બસોની ફાળવણી કરવામાં આવી છે.