હિજાબ પહેરવા પર સરકારની રોક નથી, તે સંસ્થાના નિયમો પર નિર્ભર: કર્ણાટક સરકાર
- હિજાબ વિવાદ પર કર્ણાટક સરકાર
- કહ્યું હિજાબ પર સરકારની કોઈ રોક નથી,
- પણ સંસ્થાના નિયમો પર નિર્ભર
બેંગ્લોર: હાલ હિજાબ વિવાદ દેશમાં એવો વકર્યો છે કે તે દેશના દરેક રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વાતને લઈને કેટલાક લોકો દ્વારા નિવારણને લઈને પ્રતિક્રિયા આપવામાં આવે છે તો ક્યારેક કેટલાક લોકો દ્વારા ભડકાઉ નિવેદનો આપવામાં આવતા હોય છે. આવામાં કર્ણાટક સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે હિજાબ પહેરવા પર સરકારની રોક નથી, તે સંસ્થાના નિયમો પર નિર્ભર છે.
ચીફ જસ્ટિસ રીતુરાજ અવસ્થી, જસ્ટિસ જે.એમ. ખાજી અને કે.એમ. દીક્ષિતની બેન્ચ હિજાબ પર રોકના વિરોધમાં ઉડુપીની વિદ્યાર્થિનીઓની અરજીઓની સુનાવણી કરી રહી છે. આ અંગે બેન્ચે કહ્યું કે અમે આ સપ્તાહે સુનાવણી પૂરી કરવા ઈચ્છીએ છીએ. આ દરમિયાન લઘુમતી શિક્ષણ સંસ્થાઓના ફેડરેશનની અરજી પર એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્ય સરકાર નોન-ગવર્નમેન્ટ ફન્ડેડ સંસ્થાઓના નિયમોમાં હસ્તક્ષેપ નથી કરતી.
કર્ણાટક સરકાર વતી રજૂઆત કરતા વકીલે કહ્યું કે, હિજાબ પહેરવાનો અધિકાર બંધારણના 19(1) (એ) હેઠળ અપાયેલો છે. કોઈ હિજાબ પહેરવા ઈચ્છે છે તો સંસ્થાના નિયમો હેઠળ કોઈ રોક નથી. હાલનો મામલો શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર રોકને લગતો છે, બહાર હિજાબ પહેરવા સાથે તેને લેવાદેવા નહીં. હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા જાહેર કરવાની માંગના પરિણામ સારા નહીં હોય. તેના કારણે ફરજિયાત પણું થઈ જશે. એવું નહીં કરનારાની સમાજમાંથી પણ હકાલપટ્ટી કરાશે. અનુચ્છેદ 19 (1)(એ)માં અભિવ્યક્તિની આઝાદીની વાત છે, જેની સાથે શરતો જોડાયેલી છે. અનુચ્છેદ 25 ધર્મમાં માનવાની અને તેના પ્રચારની સ્વતંત્રતા આપે છે.