Site icon Revoi.in

લીલા શાકભાજીની સાથે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા

Social Share

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ક્રમશઃ ગરમી વધતી જાય છે. તેના લીધે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. જેમાં લીંબુના ભાવ પણ પ્રતિકિલોએ રૂપિયા 120 પહોંચ્યા છે. આ ઉપરાંત ગુવાર, દુધી રિંગણા સહિતના લીલા શાકભાજીના ભાવ પણ રૂપિયા 100ની નજીક પહોંચી ગયા છે. લીલા શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાય ગયું છે.

ઉનાળાની શરુઆત સાથે લીબુના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં 1 કિલો લીંબુનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે, પરંતુ અત્યારે તે પ્રતિકિલો 120 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે.  ઝાલાવાડના ધ્રાંગધ્રા પંથકમાં લીંબુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ખેડુતોના કહેવા મુજબ પ્રતિદિન ત્રણ ટ્રક ભરીને લીંબુ દિલ્હી મોકલવામાં આવે છે. દિલ્હીમાં લીંબુના ભાવ વધુ મળતા હોવાથી ખેડુતોને આવક પણ સારી મળે છે. જ્યારે અમદાવાદ સહિતના મહાનગરોમાં  દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લીંબુનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન મોંધું પડતુ હોવાથી સસ્તાભાવે લીંબુ વેચવા વેપારીઓને પરવડી શકે તેમ નથી

સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં કોરોનાને કારણે લીંબુની માગમાં વધારો થયો છે. ડોક્ટરો લોકોને ઈન્ફેક્શનથી બચવા માટે વધારે પ્રમાણમાં લીંબુનો શરબત પીવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય ઉનાળામાં લીંબુનું પાણી પણ મનપસંદ પીણું બની જાય છે. આ બધાના કારણે માગમાં વધારો થાય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ જથ્થો ઓછો છે. રાજ્યમાં થતું લીંબુનું ઉત્પાદન માગ પૂરી કરવા માટે અપૂરતું છે અને તેથી હોલસેલના વેપારીઓ દક્ષિણ ભારતમાંથી લીબુની ખરીદી કરી રહ્યા છે. વેપારીઓના કહેવા મુજબ
‘લીંબુની માગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પાડોશી રાજ્યોમાં પણ વધી છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ પાસેથી લીંબુનો જથ્થાબંધ સ્ટોક ખરીદવામાં આવે છે. અને ટ્રક લોડ માટે 80 હજાર રૂપિયા ભાડુ ચૂકવવામાં આવે છે. ગરમી વધતી જશે તેમ લીંબુના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે.