હમાસની સાથે હવે ઈઝરાયલે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ઠેકાણા ઉપર શરુ કર્યા હવાઈ હુમલા
નવી દિલ્હીઃ ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હમાસ દ્વારા ગાઝા પટ્ટીના અલગ-અલગ સ્થળોએથી ઈઝરાયેલ પર હજુ પણ રોકેટ હુમલા ચાલુ છે, ત્યારે ઈઝરાયેલની વાયુસેનાએ સમગ્ર વિસ્તાર પર બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, ઇઝરાયલે હવે હિઝબુલ્લાહ સંગઠન પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે જે લેબનોનથી અવાર-નવાર હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે, તે હિઝબુલ્લાહ આતંકવાદીઓની જગ્યાઓને નિશાન બનાવી રહી છે.
ઈઝરાયલ ઉપર 7મી ઓક્ટોબરના રોજ આતંકવાદી સંગઠન હમાસે પાંચ હજારથી વધારે રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં 1500થી વધારે આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસીને ખૂની ખેલ ખેલ્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલની સેનાએ પણ હમાસના ઠેકાણા ઉપર હુમલા શરુ કર્યાં હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને પગલે 4000થી વધારે લોકોના મોત થયા હતા. અમેરિકા સહિતના દેશોએ હમાસના હુમલાની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. જ્યારે પાકિસ્તાન સહિતના દેશોએ ઈઝરાયલની કાર્યવાહીનો વિરોધ કરીને યુદ્ધ અટકાવવા માટે વિનંતી કરી રહ્યાં છે. રશિયાએ યુએનમાં પણ યુદ્ધવિરામ માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો. જો કે, આ પ્રસ્તાવ ના મંજુર થયો હતો. બીજી તરફ હમાસનો ખાતમો બોલાવવા માટે ઈઝરાયલની પ્રતિજ્ઞા લીધી છે. પોતાના દેશના નિર્દોષ નાગરિકોની થયેલી હત્યાથી ગુસ્સે ભરાયેલુ ઈઝરાયલ હવે હમાસનો ખાતમો બોલાવવા સતત હુમલા કરી રહ્યું છે.