આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસની સાથે આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, એક સમયે ભારતની શિક્ષણ પરંપરા સમગ્ર વિશ્વમાં પ્રચલિત હતી. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને વલ્લભી વિદ્યાપીઠમાં વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરવા આવતા હતા. એક વિદ્યાપીઠમાં દસ – દસ હજાર વિદ્યાર્થીઓ રહેતા અને અભ્યાસ કરતા. આજે ઘણી જગ્યાએ જોવા મળે છે કે, યુવાન સંતાનો તેમના વૃદ્ધ માતા – પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, આ આપણી સંસ્કૃતિ નથી.
રાજ્યપાલએ કહ્યું હતું કે, આધુનિક સાયન્સ અને ટેક્નોલોજીનો અભ્યાસ પણ જરૂરી છે. તેની સાથે આધ્યાત્મ અને આપણા જીવનનો ઉદ્દેશ્ય પણ સમજાવા જોઈએ. ભારતીય ગુરૂકુળ પરંપરા વિશે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બાળકોને સંસ્કારિતાની ભઠ્ઠીમાં તપાવી સભ્ય અને જવાબદાર નાગરિક બનાવવા માટે આપણા ગુરુકુળ કાર્ય કરતા હતા. જેમ અર્જુનને માછલીની આંખ જ દેખાતી હતી તેવી લક્ષ્યસિધ્ધિ આપણી ગુરુકુળ પદ્ધતિની દેન હતી. મહાન સંસ્કારિતા, વિદ્યાપૂર્ણતા અને બળવાન શરીર એ ગુરુકુળ પરંપરાના મુખ્ય ત્રણ કાર્યબિંદુ હતા. આપણા શાસ્ત્રો અને વેદો પ્રમાણે જીવનના ચાર મુખ્ય ધ્યેય અને આધાર હતા. આ ચાર આધાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. તેને પ્રાપ્ત કરવા માટે પણ આપણી પ્રાચીન શિક્ષણ પરંપરા તેમને તૈયાર કરતી હતી. રાજ્યપાલએ કહ્યું હતું કે, ઉન્નત રાષ્ટ્રના પ્રહરી બને તેવા બાળકોને આ સ્વામિનારાયણ ગુરુકુળ તૈયાર કરી રહ્યું છે. જેના માટે હું તમામ સંચાલકો – અગ્રણીઓને સાધુવાદ પાઠવું છું.