Site icon Revoi.in

માગશર મહિનો પુરો થવા આવ્યો છતાં ઠંડી ન પડતા રવિપાકને નુકશાન થવાનો ખેડુતોને ભય

Social Share

અમદાવાદઃ માગશર મહિનો પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ શિયાળાના બે મહિના વિતી ગયા હોવા છતાં હજુ ઠંડી પડતી નથી. રવિપાક અને ખાસ કરીને ઘઉંના પાકને વધુ ઠંડી હોય તો જ ફાયદો થાય છે. હાલ ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે રવિપાકને નુકશાન થશે એવો ખેડુતો ભય અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં ડિસેમ્બર મહિનો હવે પૂરો થવામાં છે તેમ છતાં ઠંડી ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે ડિસેમ્બરના આ સમયમાં ઠંડી પડે છે અને રવિ પાક માટે તે જરૂરી પણ છે. પરંતુ આ વખતે ઠંડી ન પડતા  રવિપાક પર જોખમ ઉભું થયું છે. આ વર્ષે શિયાળાની નહિંવત અસર જોવા મળી રહી છે. ડિસેમ્બર મહિનો પુરો થવામાં છે ત્યારે ઠંડી પડી રહી નથી. હવામાન વિભાગે 2 દિવસ બાદ થોડી ઠંડી વધવાની આગાહી કરી છે. શિયાળાની ઋતુ મોડી શરૂ થવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલના પાકને ઠંડીની જરૂર હોય છે. જો પુરતા પ્રમાણમાં ઠંડી ન પડે તો પાક નિષ્ફળ જવાનો ડર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘઉંનું વાવેતર કરેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઠંડી ન પડતા ઘઉંના પાકને નુકસાનની ભીતિ છે. ઘઉંની વાવણીને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે.  હજારો હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘઉંના પાક માટે ઠંડીની જરૂર રહે છે. ઠંડીનું પ્રમાણ નહીંવત રહેતા જિલ્લાના ખેડૂતોનું મોટું નુકસાન થઈ શકે છે. ન માત્ર ઘઉં પરંતુ રાયડા, કપાસ, એરંડાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો પણ ચિંતામાં છે. પાટણ જિલ્લામાં જ ખેડૂતોએ 1 લાખ 90 હજાર હેક્ટરમાં રાયડો, ઘઉં, કપાસ, એરંડા સહીતના વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. પણ ઠંડીની જગ્યાએ એકાએક ગરમીનું વાતાવરણ ઉભું થતા રાયડાના  પાકમાં મોલો મસી રોગચાળો જોવા મળી રહ્યો છે. હાલ તો ખેડૂતો પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. અને હવે પાક બચાવવાં માટે મોંઘા ભાવની દવાનો છંટકાવ  કરી પાક બચાવવાં માટેના પ્રયત્નો શરુ કર્યા છે. પાટણ જિલ્લામાં ખેડૂતો એ 34 હજાર હેક્ટર જમીનમાં રાયડાના પાકનું વાવેતર કર્યું છે અને તેમાં રોગ ચાળો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.