Site icon Revoi.in

રાજ્યમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છતાં ત્રણ વર્ષથી વિદ્યાસહાયકોની ભરતી ન કરતા રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ભરતી કરવામાં આવતી નથી આથી  ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રાજ્યભરના ઉમેદવારો સચિવાલય ખાતે ઊમટી પડીને વિદ્યાસહાયકની ભરતીની માગણી સાથે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી હૈયાધારણ આપી હતી કે, વિદ્યાસહાયકોની ભરતીમાં 4 ટકા વિકલાંગ માટે જરૂરી સુધારાનું કામ ચાલુ છે જે જલ્દી પૂર્ણ થયા બાદ તરત ભરતી શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. વિદ્યાસહાયકની નોકરી માટે રાજ્યભરના અંદાજે 40 હજાર યુવાનોએ ટેટ પાસ કરી છે. જોકે અનેક રજૂઆત કરાયા છતાં કોઇ જ નક્કર નિર્ણય ન લેવાતાં ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડી છે. આથી 3 વર્ષથી અટકી પડેલી ભરતી કરવાની માંગણી સાથે રાજ્યભરથી ઉમેદવારો સચિવાલય ખાતે ઉમટી પડ્યા હતા.

ગુજરાત રાજ્યના વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ટેટ પાસ કરેલા ઉમેદવારો નવા સચિવાલયમાં એકઠા થયા બાદ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વિદ્યાસહાયક ભરતી બાબતે રજુઆત કરી હતી. 3 વર્ષથી અટકી પડેલી વિદ્યાસહાયક ભરતીની જાહેરાત આપવા માટે ઉમેદવારો સતત રજુઆત કરી રહ્યા છે, પરંતુ વારંવાર જુદા જુદા કારણે ભરતી અટકી પડી છે, જેથી ઉમેદવારોની ધીરજ પણ ખૂટી રહી છે. આ રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ એવી હૈયાધારણ આપી હતી કે,  4 ટકા વિકલાંગ માટે જરૂરી સુધારાનું કામ ચાલુ છે જે જલ્દી પૂર્ણ થશે એટલે તરત ભરતી શરૂ કરવામાં આવશે.

શિક્ષિત બેરોજગાર સમિતિના આગેવાનો દિનેશભાઇ બાંભણીયા,રોહિતભાઈ માળીને સાથે રાખીને ઉમેદવારોએ મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરીને વિકલાંગ બાબતે જે જરૂરી સુધારા કરવાના થાય એ જલ્દી કરવામાં આવે જેથી ભરતી શરૂ થાય એ માટે રજુઆત કરી હતી જેમાં મુખ્યમંત્રી દ્વારા વિભાગમાં સૂચના આપી ખૂબ ઝડપી નિકાલ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતુ.

ટેટ સંગઠનના એક સભ્યએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2022 પહેલા ભરતીની જાહેરાત આપવી ખૂબ જરૂરી છે કારણ કે 2018-19ની વિદ્યાસહાયક ભરતીમાં લાગેલા ઉમેદવારોનો બોન્ડ ફેબ્રુઆરીમાં પૂર્ણ થવાનો છે ત્યારે આ જાહેરાતમાં મોડું થાય તો નોકરીમાં લાગેલા જ ઉમેદવારો ભરતીમાં રિપીટ થશે જેથી ટેટ પાસ ઉમેદવારોને નુકશાન થઈ શકે છે.