- જમ્મુથી 3100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી થઈ રવાના
- અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
શ્રીનગર:દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર માટે ગુરુવારે 3,100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી અહીંના બેઝ કેમ્પથી રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે આ વાર્ષિક યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં ‘બાબા બર્ફાની’ના દર્શન કરી ચૂક્યા છે.
તીર્થયાત્રા 1 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગથી શરૂ થઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે,સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા કડક સુરક્ષા વચ્ચે 2,303 પુરુષો, 750 મહિલાઓ, 47 સંતો અને 11 બાળકો સહિત કુલ 3,111 શ્રદ્ધાળુઓ અહીંથી 124 વાહનોમાં ભગવતી નગર યાત્રી નિવાસથી નીકળ્યા હતા.
તેમણે કહ્યું કે 29 જૂને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા તીર્થયાત્રીઓની પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી ત્યારથી 1.30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભગવતી નગર કેમ્પથી ખીણ તરફ રવાના થયા.
ઉલ્લેખનીય છે કે,અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે શિવભક્તો આ યાત્રાની આતુરતાપૂર્વક રાહ જુએ છે. અમરનાથ ધામને બાબા બર્ફાની તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબા બર્ફાનીની આ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને તેમના અમરત્વનું રહસ્ય કહ્યું હતું. તેથી જ તેને અમરનાથ કહેવામાં આવે છે.
આ વર્ષે બાબા બર્ફાની એટલે કે અમરનાથ યાત્રા 1 જુલાઈ 2023થી શરૂ થઈ અને અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ, 2023ના રોજ શ્રાવણ પૂર્ણિમાના રોજ સમાપ્ત થશે. આ સમગ્ર યાત્રા 62 દિવસની હશે.