Site icon Revoi.in

અમરનાથ યાત્રાઃ ચાલુ વર્ષે પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યાં

Social Share

નવી દિલ્હીઃ બાબા અમરનાથ યાત્રા આજે 31 ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમાપ્ત થશે. છડી મુબારક એ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે 26 ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ હતી. 30મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં પહોંચશે અને પૂજા કર્યા બાદ દર્શન કરાશે. આ પછી તેને શ્રીનગરના અખાડામાં પરત લઈ જવામાં આવશે. બીજી તરફ  આ વર્ષે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.

રિપોર્ટ અનુસાર અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ તેના બંને રૂટ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો અને સ્થાનિક લોકો રસ્તાની સફાઈ કરશે. બાબા બર્ફાનીની ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. પ્રથમ પહેલગામ, આ પરંપરાગત માર્ગ છે, જે ચઢવામાં સરળ છે. લગભગ 47 કિમીનું આ અંતર કાપવામાં 2-3 દિવસ લાગે છે. બીજો માર્ગ બાલતાલ થઈને છે. આ એક નવો ટ્રેકિંગ રૂટ છે, જે 14 કિમી એટલે કે પહેલગામના અડધાથી પણ ઓછો છે. તે એક દિવસમાં ચઢી શકાય છે.

આ વર્ષે 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાએ 6 ઓગસ્ટે ગયા વર્ષે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ તોડ્યો હતો. 6 ઓગસ્ટ સુધીમાં 4 લાખ 17 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે ગત વર્ષે સમગ્ર સિઝનમાં 3 લાખ 65 હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા.