અમરનાથ યાત્રાઃ તીર્થયાત્રીઓની સંખ્યા 74,696 પર પહોંચી
નવી દિલ્હીઃ અમરનાથની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી આજરોજ સવારે 5725 શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી કાશ્મીર માટે રવાના થઈ હતી. બમ બમ ભોલેના નારા લગાવતા યાત્રાળુઓ આજે સવારે 238 વાહનોના કાફલામાં જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયા હતા. કાશ્મીર માટે રવાના થયેલા 5725 શ્રદ્ધાળુઓમાં 4481 પુરૂષો, 1034 મહિલાઓ, 25 બાળકો, 173 સાધુઓ અને 12 સાધ્વીઓનો સમાવેશ થાય છે. જેમાંથી 2514 તીર્થયાત્રીઓ સવારે 3:25 વાગે બાલતાલ માટે રવાના થયા હતા અને 3211 યાત્રાળુઓ સવારે 3:45 કલાકે પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. આ યાત્રાળુઓ આજે સાંજ સુધીમાં પોતપોતાના આધાર શિબિરમાં પહોંચી જશે, જ્યાંથી તેઓ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 4 જૂનની વહેલી સવારે પવિત્ર ગુફા માટે રવાના થશે.
દેશના વિવિધ ભાગોમાંથી 74,000 થી વધુ શ્રદ્ધાળુઓએ 2 જુલાઈ સુધી શ્રી અમરનાથજીની પવિત્ર ગુફામાં પ્રાર્થના કરી હતી. આ યાત્રા 29 જૂને બાલતાલ અને નુનવાન-પહલગામથી શરૂ થઈ હતી. આ સાથે યાત્રા શરૂ થયા પછી છેલ્લા ચાર દિવસમાં હિમાલયમાં ઊંડે સ્થિત 3888 મીટર ઉંચી ગુફા મંદિરની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓની કુલ સંખ્યા 74,696 પર પહોંચી ગઈ છે. 52 દિવસીય અમરનાથ યાત્રા આ વર્ષે 19 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમાના શુભ અવસર પર સમાપ્ત થશે. જે રક્ષાબંધનના તહેવાર સાથે એકરુપ છે. ગયા વર્ષે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા.