નવી દિલ્હીઃ 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરી રહી છે. હાલમાં, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની પ્રથમ પ્રાથમિકતા પડકારરૂપ વિસ્તારમાંથી પસાર થતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. પોલીસે અમરનાથ બેઝ કેમ્પની આસપાસ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી છે.
અમરનાથની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કેટલાય કિલોમીટરના જોખમી રસ્તાઓ પરથી પસાર થવું પડશે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે દેશભરમાંથી અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા દ્વારા પણ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
અમરનાથના દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2022ની વાત કરીએ તો લગભગ 3 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા, વર્ષ 2023માં આ સંખ્યા વધીને 4.5 લાખ થઈ ગઈ હતી. અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપતાં સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે તમામ કેમ્પમાં 24 કલાક દેખરેખ રાખવામાં આવશે. આ માટે વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા, 360-ડિગ્રી કેમેરા અને બોડી સ્કેનર લગાવવામાં આવ્યા છે. આ સિવાય ભક્તોની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની અનેક કંપનીઓ તૈનાત કરવામાં આવશે.