Site icon Revoi.in

અમરનાથ યાત્રા: ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રિકોની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી

Social Share

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો ભગવતીનગરથી બાલટાલ તથા પહેલગામ માટે રવાના થયો હતો. શ્રદ્ધાળુઓની આ બસને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આવતીકાલથી બાબા બર્ફાનીના દર્શનની અમરનાથ યાત્રાની શરૂઆત થશે. ત્યારે સુરક્ષા દળો દ્વારા મોકડ્રીલ કરીને સુરક્ષાના તમામ પરિમાણો ચકાસવામાં આવ્યા હતા.

થોડા સમય પહેલા યાત્રાળુંઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલાને પગલે સઘન સુરક્ષા બનાવવામાં આવી છે. કોઈ ચૂક ન થાય તે માટે માર્ગો ઉપર ડ્રોન કેમેરા તથા 365 ડિગ્રી એન્ગલથી વોચ રાખતા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર 500 મીટર તેમજ દર 1 કિલોમીટરના અંતરે પોલીસ ચોકીઓ રાખવામાં આવી છે. જ્યાં 24 કલાક પોલીસ તૈનાત રહેશે.

અમરનાથ યાત્રાને લઈને બે દિવસ પહેલા જ ઓફલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. દરમિયાન આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ થયો છે. અમરનાથ યાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની ગઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ અમરનાથ યાત્રાના રૂટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.