ખાનગી ડેટાની સલામતિ મામલે અમેઝોને મળી નિષ્ફળતાઃ યુરોપીય સંઘે 6 હજાર 600 કરોડનો ફટકાર્યો દંડ
- ડેટા સલામતિ મામલે એમેઝોન નિષ્ફળ
- ઈયૂએ કરોડોનો દંડ ફટકાર્યો
દિલ્હીઃ યુરોપિયન યુનિયનના નેશનલ ડેટા પ્રોટેક્શન કમિશને એમેઝોનને 6 હજાર 600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.એમેઝોન પર આરોપ છે કે તેણે યુરોપિયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનનું યોગ્ય રીતે પાલન કર્યું નથી. કેટલીક યુરોપિયન કંપનીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એમેઝોને ઈ-કોમર્સ માર્કેટમાં પોતાની ઓળખ બતાવી એકાધિકારનો દૂર ઉપયોગ કરીને તેમના બિઝનેસને નુકશાન પહોંચાડ્યું છે.
દંડ લગાવનાર લક્ઝમબર્ગના પ્રાઇવેટ ડેટા પ્રોટેક્શન કમિશન મુજબ એમેઝોન દ્વારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયામાં ઘણી ભૂલો કરવામાં આવી છે. એમેઝોને પોતે શુક્રવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને કરેલી તેની નિયમનકારી ફાઇલિંગમાં આ દંડ વિશે માહિતી આપી હતી.
આ ઉપરાંત કમિશને 16 જુલાઈએ જ કંપની પર દંડ ફટકાર્યો હતો. જોકે, એમેઝોને દાવો કર્યો હતો કે કમિશનના નિર્ણયમાં યોગ્યતાજોવા મળતી નથી અને તે તેની સામે અપીલ કરવા અને કડક કાનૂની લડાઈ લડવા માટે તૈયાર છે.જો કે,યુરોપિયન યુનિયનના પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કરતી વખતે એમેઝોન પકડાયું હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે નવેમ્બરમાં પણ તેમના પર સ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો.
એમેઝોન વિવિધ કંપનીઓ દ્વારા તેના પ્લેટફોર્મ પર વેચાયેલા ઉત્પાદનો, યૂઝર્સની પસંદગીઓ અને ટેવોનો ઉપયોગ કરીને ગેરવાજબી રીતે મોટી માત્રામાં તેના ઉત્પાદનો વેચે છે. અમેરિકાએ સૌથી પહેલા યુરોપિયન યુનિયનની આ ક્રિયાઓનો વિરોધ કરતા કહ્યું કે અમેરિકન કંપનીઓને હેરાન કરવામાં આવી રહી છે.