અંબાજીઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં હવે ધાર્મિક કાર્યક્રમોમાં પણ રોક લાગી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીના કાર્યક્રમોને ધામધૂમથી ઊજવવાનું મોકુફ રાખવામાં આવ્યું છે જે પૈકી 17મી જાન્યુઆરીને પોષ સુદ પૂનમે માતાજીનો જન્મોત્સવ છે પરંતુ તેની ઉજવણી પણ મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે..
રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને હવે મંદિરોમાં પણ નિયંત્રણો મુકવામાં આવી રહ્યા છે. અંબાજીમાં માતાજીનો જન્મોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં નહીં આવે પણ પૂજા-આરતી કરાશે. અંબાજી મંદિરે દર્શને આવતા યાત્રાળુઓના આરોગ્યની સલામતી માટે કોવિડ પ્રોટોકોલનું ફરી એકવાર પાલન કરવામાં આવી રહ્યું છે. દર્શન માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાના આદેશ જિલ્લા કલેક્ટરે આપ્યા છે. કોઇ જગ્યાએ ભીડ નહીં કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
શક્તિપીઠમાં દર વર્ષે પોષી પુનમે માતાજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાય છે જેમાં હજારો યાત્રાળુઓ સહભાગી બનતા હોય છે પરંતુ કોરોના સંક્રમણના કેસો વધતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે આ વર્ષે માતાજીનો જન્મોત્સવ યાત્રાળુઓની ભીડ વચ્ચે ઉજવાશે નહીં. રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધતા કેસને લઇ પોષ સુદપૂર્ણિમાના માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સાથે પોલીસ અધિકારીઓની એક બેઠક અંબાજી મંદિર ખાતે યોજાઇ હતી અને હાલમાં કોરોનાને લઇ સરકારની એસઓપી પ્રમાણે કાર્યક્રમ યોજવા નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોષી પુનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી તેવામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજીમાં માતાજીની નિકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરાઇ છે. અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. માતાજીના જન્મોત્સવને કારણે અંબાજી ગબ્બર ગઢથી માતાજીની અખંડ જ્યોત લાવીને અંબાજી મંદિરની જ્યોત સાથે મિલાવામાં આવશે અને ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા વિશેષ આરતીનો કાર્યક્રમ મંદિરના ચાચરચોકમાં યોજવામાં આવશે. આ સિવાયના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
(PHOTO-FILE)