રાજકોટઃ શહેર ભાજપમાં જૂથવાદ વચ્ચે સી.આર. પાટીલ સૌપ્રથમ વખત રાજકોટ આવ્યા છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરવામાં આવી હતી તેમજ ડીજેના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલના સ્વાગત માટે સવારથી જ રાજકોટ ભાજપના આગેવાનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત ગયા છે અને ભાજપના સૌથી સિનિયર નેતા વજુભાઈ વાળા બહારગામ જતાં જુથવાદ શમ્યો ન હોવાનું કાર્યકર્તાઓ કહી રહ્યા હતા. દરમિયાન પ્રેસ-કોન્ફરન્સમાં પાટીલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી, પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે, સૌરાષ્ટ્ર યુનિ.માં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવાશે.
રાજકોટમાં શહેર ભાજપના સ્નેહ મિલન સમારોહમાં જુથવાદ સપાટી પર આવ્યો હતો. દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં પણ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવવાનો હતો. પણ જુથબંધીને લીધે છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં પત્રકાર પરિષદમાં સીઆર પાટીલે ભાજપમાં જૂથવાદ અને કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેરને ભાજપમાં આમંત્રણ વિશે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારા કહેવાનો મતલબ તેમને ભાજપમાં આવકારવાનો ન હતો. મેં અમરિષ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું. મેં માત્ર વાત કરી છે. હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી. કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તા સમક્ષ છે. ચૂંટણી જીતવા માટે તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જીતાડવા કાર્યકરોને કામે લગાડવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાટીદાર આંદોલનના ઘણા બધા કેસો પાછા ખેંચી લીધા છે. બીજા 78 કેસો પાછા ખેંચવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દેશની અંદર લોકોએ જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે. લોકો નોન-વેજ પણ ખાઈ શકે છે. પ્રતિબંધિત નથી તે વસ્તુ લોકો વેચી શકે છે. બીજી તરફ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ વિશે કહ્યું કે, રાજકોટમાં કોઈ જૂથવાદ નથી. રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે.