મહેસાણાઃ ગુજરાતમાં નબળા બાંધકામને લીધે નવા બ્રિજ તૂટી પડવાની અથવા બ્રિજમાં તિરાડો પડવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહેસાણાથી રામોસણા અને વિસનગરને જોડતો આંબેડકર બ્રિજ બનાવ્યાને હજુ માંડ 10 વર્ષ થયા છે. ત્યાં જ બ્રિજ પર મોટા ગાબડાં પડતાં બ્રિજ પર વાહનો માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર એક દાયકામાં જર્જરિત બની ગયો છે. આ મામલે કોન્ટ્રાકટર તેમજ તે સમયના અધિકારીઓ સામે તપાસ કરવાની લોકોમાં માગ ઊઠી છે.
મહેસાણા શહેરના રહેણાક વિસ્તારમાં વચ્ચે બનાવેલા રામોસણા અને વિસનગર રોડને જોડતા આંબેડકર બ્રિજ પર મોટું ગાબડું પડી જતા બુધવાર વહેલી સવારથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવાયા છે. જેના કારણે વાહનો બ્રિજ પર ન જઈ શકે. શહેરના વિસનગર લિંક રોડ પર આવેલા આંબેડકર બ્રિજની મધ્યમાં એક્સપાન્શન જોઈન્ટમાં મોટુ ગાબડું પડી ગયું છે. અને આ ગાબડું એટલું મોટું છે. કે, એ ગાબડામાં નથી દેખાતો ઉપરનો ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ , સીધું દેખાય છે તો બ્રિજની ઉપરથી આર પર નીચેનો ભાગ. આ ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડામાં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોંક્રિટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે.
મહેસાણામાં આંબેડકર બ્રિજ માત્ર 10 વર્ષમાં જર્જરિત થતાં વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગાવ્યા છે. આંબેડકર બ્રિજને માત્ર દસ વર્ષ જ થયા છે. તા.10.02.2014 એ આ બ્રીજનું ઉદઘાટન અને તા.14.04.2017 રોજ બ્રીજનું નામાભિધાન કરાયું હતું. ઉદ્ઘાટન અને નામાભિધાન બાદ પણ દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થાય અને મોસ્ટ મોટા ખાડા પડે અને સળિયા દેખાવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રી સરફેસ કરી રીપેર કરી દેવાય. પણ અત્યાર સુધી કોઈએ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનારી એજન્સીએ આ બ્રિજને ગુણવત્તાવાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રીજ બનાવ્યો છે કે નહીં!, આખરે બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટમાં અચાનક ગાબડું પડી ગયું. અને ઘટનાને પગલે માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ સ્થિતિની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરી દેવાયો છે.