અમદાવાદઃ રાજ્યમાં જુદી જુદી જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ સજા પૂર્ણ થયા બાદ પોતાના પગ પર ઊભા રહીને રોજગારી મેળવી શકે તે માટે વિવિધ હુન્નર ઉદ્યોગ શીખવવામાં આવતો હોય છે. સુથારી કામ, દરજી કામ, કડિયા કામ એટલું નહીં પણ કુકની તાલીમ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત કેદીઓ શૈક્ષણિક ડિગ્રી મેળવી શકે તે માટે જેલમાં અભ્યાસ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં રાજ્યની તમામ જેલોમાં અભ્યાસના સેન્ટર શરૂ કરાશે. એટલું જ નહીં જેલમાંથી છૂટ્યા બાદ કેદી સારા નાગરિક બને અને સમાજમાં પુનઃ સ્થાન પ્રાપ્ત થાય તે માટે જોબ પ્લેસમેન્ટ દ્વારા રોજગાર મળે તેવા કોર્ષ પણ આંબેડકર યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ચાલી રહ્યા છે. હાલ આંબેડકર યુનિવર્સિટીમાં 600 જેટલા કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે અને હાલ રાજ્યની 20 જેલમાં અલગ અલગ કોર્ષના સેન્ટર આંબેડકર યુનિવર્સિટીના ચાલી રહ્યા છે પરંતુ હવે આગામી સમયમાં રાજયની દરેક જેલમાં અભ્યાસક્રમ માટેના સેન્ટર શરૂ કરવાનું આંબેડકર યુનિવર્સિટીનું આયોજન છે.
ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રીના સ્નાતક અનુસ્નાતક કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. હાલમાં આંબેડકર યુનિવર્સિટીમાં 30 સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં દિવ્યાંગો, ડિસેબલ લોકો ભણી રહ્યા છે. 100 જેટલા ટ્રાન્સજેન્ડર, 18 સેક્સવર્કર્સ પણ અભ્યાસનો લાભ લઇ જ રહ્યા છે. રાજ્યસરકાર તેમની ફી ભરે છે. એટલે યુનિવર્સિટી તેમને ફ્રીમાં ભણાવે છે. સામાન્ય રીતે આ વિધાર્થીઓ સર્ટિફિકેટ કોર્સમાં રસ દાખવતા હોય છે પણ સાથે MSW, PSW, BA માં પણ તેમની વધારે રુચિ જોવા મળી છે. સાથે અલગ અલગ જેલોમાં 600 કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે. આગામી સમયમાં રાજ્યની તમામ જેલોમાં કેદીઓ માટે વિવિધ અભ્યાસક્રમ શરૂ કરવાનું આયોજન છે. કેદીઓ પણ સર્ટિફિકેટ અને BA જેવા વિષયમાં વધારે રસથી અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જેલમાંથી છૂટ્યા બાદ કેદીને જોબ મળી પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા કોર્સ પણ યુનિવર્સિટી શરૂ કરશે.(file photo)