Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં 30 ટકાનો વધારો, માત્ર 6 મહિનામાં આવક 1300 કરોડે પહોંચી

Social Share

અમદાવાદઃ મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં વધારો થયો છે. નવા હાઈરાઈઝ બિલ્ડિંગો બનતા જ જાય છે. નવા વિસ્તારો પણ શહેરમાં મર્જ કરાયા છે. તેના લીધે પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.  ચાલુ વર્ષ દરમિયાન એપ્રિલ 2023થી 18 નવેમ્બર 2023 સુધીમાં એટલે કે 6 મહિનામાં ટેક્સની કુલ આવક રૂપિયા 1300 કરોડે પહોંચી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ.1009.65 કરોડ, પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. 140.14 કરોડ અને વ્હીકલ ટેક્સની આવક રૂ. 138.30 કરોડ અને રૂ. 12.02 કરોડના TSF ચાર્જીસ સહિત કુલ આવક રૂ. 1300 કરોડ થઈ છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને ટેક્સની સારીએવી  આવક થઈ રહી છે. ચાલુ વર્ષે ત્રણ મહિના પહેલાં AMC પ્રોપર્ટી ટેક્સ બિલિંગની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ટેક્સ બિલોની વહેંચણી કરવામાં આવી છે. આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ગત વર્ષે તા. 1 એપ્રિલથી 18 નવેમ્બર સુધીમાં કુલ આવક રૂ. 997.40 કરોડની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 30 ટકાના વધારા સાથે કુલ આવક રૂ. 1300 કરોડ થઈ છે. કુલ આવકમાં રૂ.302 કરોડ વધુ આવક નોંધાઇ છે. જ્યારે પ્રોપર્ટી ટેક્સની આવક ગત વર્ષે રૂ. 751.46 કરોડની તુલનાએ 34.35 ટકા વધી છે. જ્યારે વ્હીકલ ટેકસની આવક ગત વર્ષે રૂ. 115.73 કરોડની તુલનાએ 19.50 ટકા વધી છે અને પ્રોફેશનલ ટેક્સની આવક રૂ.127.68 કરોડની તુલનાએ 9.75 ટકા વધી છે. નાગરિકોને પોતાના બિલમાં દર્શાવેલ Unique QR કોડ સ્કેન કરીને ઓનલાઈન માધ્યમથી ટેક્સની ચૂકવણી કરી શકે છે. ચાલુ વર્ષ 2023-24માં 53 ટકા જેટલી આવક ઓનલાઈનથી થઈ છે. ટુંક સમયમાં તમામ સિવિક સેન્ટરમાં પણ Unique QR કોડ દ્વારા પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવશે.

તેમણે વધુમાં જમાયું હતું કે, પ્રોપર્ટી ટેક્સમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં પણ 100 ટકા વ્યાજ માફીની ઇન્સેન્ટિવની સ્કીમ ચાલુ રાખવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા 2023-24ના વર્ષ દરમિયાન 15 ટકા સુધી એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી અને તેનો નાગરિકોએ મહત્તમ લાભ લીધો હતો. મ્યુનિ. દ્વારા વ્યાજ માફી સ્કીમ અને એડવાન્સ ટેક્સ રીબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હોવા છતાં મિલકતવેરો નહીં ભરનારાની મિલકત પર બોજો નોંધાવવાની અને કેટલીક મિલકતોમાં હરાજીની પ્રક્રિયા સહિતના કડક પગલાં લેવામાં આવ્યા છે.