અમદાવાદઃ શહેરમાં બીન આરોગ્યપ્રદ અને ભેળસેળવાલા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. તેની સામે મ્યુનિના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ફરસાણના વેપારીઓ ભેળસેળયુક્ત તેલનો ઉપયોગ કરતા હોય છે. ખાણીપીણીના સ્ટોલધારકો પુરતી સ્વચ્છતા રાખતા નથી. મીઠાંઈથી લઈને તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરાતી હોય છે. ત્યારે મ્યુનિ. દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્ય ઝોનમાં ખાદ્યપદાર્થનાં નમૂના લેવા માટે યોજાયેલી ટ્રિગર ઇવેન્ટ દરમિયાન મ્યુનિ. ફૂડ વિભાગે છ ફોર્મલ અને 18 ઇન્ફોર્મલ નમૂના લીધા હતા. તપાસ ઝુંબેશ દરમિયાન સડેલાં ફળફળાદી, શાકભાજી, પાણીપુરીનો માવો અને તૈયાર ખોરાકનો 405 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાવવામાં આવ્યો હતો તેમજ ઠંડાપીણા, સિકંજી, શરબત, પાણીપુરીનું પાણી, બળેલું તેલ તથા ચટણી, સોસ વગેરે પ્રકારનો 700 લિટરનો જથ્થો પણ નાશ કરાવવામાં આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનુ વેચાણ રોકવા માટે મ્યુનિ.કમિશનરે હેલ્થ ફૂડ વિભાગને પ્રોપર્ટી ટેક્સ ખાતાની જેમ ટ્રિગર ઇવેન્ટ યોજવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં ફૂડ વિભાગે મધ્ય ઝોનમાં ટ્રિગર ઇવેન્ટનાં નામે ફક્ત 24 જેટલાં નમૂનાં લેતાં કમિશનરની ધારણા પ્રમાણે કામ થયું નહોતું. આથી ફૂડ વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે.
મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતા એડિશનલ હેલ્થ ઓફિસર ડો.ભાવિન જોષીએ જણાવ્યું હતું કે, મધ્ય ઝોનનાં અલગ અલગ છ વોર્ડમાં ટ્રિગર ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ વિભાગનાં અધિકારી અને કર્મચારીઓની બે ટીમોએ અસારવા, શાહીબાગ, દરિયાપુર, શાહપુર, જમાલપુર અને ખાડિયામાં ખાણીપીણીનાં વ્યવસાય સાથે સંકળાયેલાં હોય તેવા 206 વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. મધ્ય ઝોનમાં ખાદ્યપદાર્થનાં નમૂના લેવા માટે યોજાયેલી ટ્રિગર ઇવેન્ટ દરમિયાન મ્યુનિ. ફૂડ વિભાગે છ ફોર્મલ અને 18 ઇન્ફોર્મલ નમૂના લીધા હતા. તપાસ ઝુંબેશ દરમિયાન સડેલાં ફળફળાદી, શાકભાજી, પાણીપુરીનો માવો અને તૈયાર ખોરાકનો 405 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાવવામાં આવ્યો હતો તેમજ ઠંડાપીણા, સિકંજી, શરબત, પાણીપુરીનું પાણી, બળેલું તેલ તથા ચટણી, સોસ વગેરે પ્રકારનો 700 લિટરનો જથ્થો પણ નાશ કરાવવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર મધ્ય ઝોનમાં 206 એકમોની તપાસ દરમિયાન 49 જગ્યાએ તળવા માટેનું તેલ સારૂ છે. કે, બળી ગયેલું છે, તેની તપાસ માટે 49 જેટલાં ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ 84 વેપારીઓને ફૂડ સેફ્ટીનાં નિયમનાં ભંગ બદલ નોટિસ ફટકારીને 56 હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.