Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓને મિલકતોની માહિતી આપવા તાકીદ

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલ્કતો,બેન્ક બેલેન્સ, એફડી સહિત તમામ સંપત્તીની માહિતી આપવી ફરજિયાત છે. સમયાંતરે એએમસીના અધિકારીઓ, કર્મચારીઓએ પ્રોપર્ટી રિટર્નનું ડેકલેરેશન ફોર્મ ભરીને માહિતી આપવી પડે છે. આગામી તા. 31મી જાન્યુઆરી સુધીમાં અધિકારીઓ, કર્મચારીઓને સંપત્તીની માહિતી આપવા તાકિદ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના ક્લાસ-1 અને 2 તરીકે ફરજ બજાવતા અને નવી નિમણૂંક પામેલા તેમજ બઢતીથી નિમણૂંક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓએ 31 ડિસેમ્બર સુધીમાં તમામ સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી ઓનલાઈન ભરીને આપવાની રહેશે. તેમની પ્રોપર્ટી રીટર્નનું ડેકલેરેશન ફોર્મ ભરીને પછીના વર્ષની 31મી જાન્યુઆરી સુધીમાં ફરજિયાત ભરીને આપવાનું રહેશે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને પરિપત્ર કરી જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ષ દરમિયાન કોઈપણ વાહન, TV, FD, મકાન, જમીન સહિત નવી ચીજવસ્તુની ખરીદી કરી હોય તેની વિગતો ડિકલેરેશન ફોર્મમાં ફરજિયાતપણે દર્શાવવાની રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી માહિતી ન આપે તો AMC કમિશનર દ્વારા કસૂરવાર અધિકારી અને કર્મચારીને GCSR અંતર્ગત નોટિસ આપી શકે છે અને ઈન્ક્રીમેન્ટ પણ રોકી શકે છે.
​​​​​
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના નામે અથવા બ્લડ રીલેશનમાં હોય તેવી વ્યક્તિઓ કે સભ્યોના નામે નવી કોઈ સ્થાવર કે જંગમ મિલકત વસાવી હોય તો તેની વિગતો જાહેર કરવાની રહેશે. મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓએ જાહેર કરેલી મિલકતની વિગતો કરતાં વધુ મિલકત ધરાવે છે કે કેમ એટલે કે અપ્રમાણસર મિલકત ધરાવે છે કે નહીં, તે બાબત નક્કી કરવામાં આ પ્રકારની માહિતી મહત્વની બની રહે છે.