20 લાખની લાંચ લેતા પકડાયેલા AMCના આસિ. TDOના ઘરેથી 73 લાખ રોકડ, 4.5 લાખનું સોનું મળ્યું
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને કોઈ ડર વિના અધિકારીઓ બિન્દાસ્તથી લાંચ માગી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુઅલ એન્જિનિયર આશિષ પટેલ રૂ.20 લાખની લાંચ લેતાં ઝડપાયા છે. ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) સર્ટિફિકેટ આપવા 50 લાખની લાંચ માગી હતી. અંતે 20 લાખમાં તોડ થયો હતો. જમીન માલિકે એસીબીમાં ફરિયાદ કરતા આશિષ પટેલની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં છટકું ગોઠવાયું હતું. એસીબીએ પ્રગતિનગર ખાતે આવેલા હર્ષદ ભોજકના ઘરમાં સર્ચ કરતાં ત્યાંથી રોકડા રૂ.73 લાખ અને 4.5 લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ ઉપરાંત કેટલાક મહત્ત્વના દસ્તાવેજ મળ્યા હતા. હાલ તેની ચકાસણી ચાલી રહી છે અને ભોજક વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને એન્જિનિયર આશિષ પટેલ એસીબીના છટકામાં સપડાયા છે. આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો/દુકાનો હતી, જે એએમસી દ્વારા કબ્જો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો-દુકાનોના ભાડુઆતો તથા ફરીયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી. જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી, પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બીનો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આશ્રમ રોડ ખાતેની રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચની માંગણી કરતા, લાંચની રકમ સ્વીકારતા અને એકબીજાએ મદદગારી કરતા પકડી પાડ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ₹ 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા બાદ એસીબીની ટીમે પાસ કરતા TDO હર્ષદ ભોજકના અમદાવાદ ખાતેના પ્રગતિનગર એરીયામાં આવેલા રહેણાંક ફ્લેટમાંથી બેનામી ₹ 73 લાખની રોકડ રકમ તથા આશરે સાડા ચાર લાખની કિંમતના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. એટલું જ નહીં, હર્ષદ ભોજકના ઘરેથી રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. આમ પ્રાથમિક તપાસ કરતા જ એસીબીને TDOના ઘરેથી કુલ રૂપિયા ₹ 77 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી. બાદમાં એસીબીની ટીમે ઝડતી તપાસ ચાલુ રાખતા વધુ દસ્તાવેજો તથા અન્ય મિલકતો મળવાની શક્યતાઓ લાગી રહી છે. સાથો સાથ એન્જિનિયર આશિષ પટેલ પણ કેટલા સમયથી ગેરકાયદેસર રીતે નાણા પડાવી કામ કરાવી આપતો હતો, તે અંગે એસીબીએ વિગતવાર પૂછપરછ હાથ ધરી છે.