અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. તો ઘણી જગ્યાએ ભવા પણ પડ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ત્રણ દિવસમાં રોડ પર પડેલા 5000થી વધુ ખાડાઓ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એએમસીના ઈજનેરી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વરસાદી પાણીના કારણે જ્યાં પણ રોડ ધોવાયા છે અને ખાડા પડ્યા છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ બંધ થયા બાદ મ્યુનિ. ભાજપના સત્તાધિશો અને ઇજનેર વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. શહેરમાં જ્યાં પણ ખાડા પડ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવા અને રોડ રીપેર કરવા અંગે સૂચના આપી હતી. જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં નાના મોટા થઈને 5,083 જેટલા ખાડા પૂરવામાં આવ્યા છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી પાણી ભરાવવાના કારણે જેટલા પણ જુના રોડ છે તેમાં ખાડા પડ્યા હતા. પાણી ભરાવવાના કારણે અને તેના પરથી વાહનો પસાર થતાં જે ખાડા પડ્યા હતા તે તમામ ખાડાઓને વરસાદ બંધ થતાની સાથે જ યુદ્ધના ધોરણે પૂરવા માટેની સૂચના ઇજનેર વિભાગને આપવામાં આવી હતી. શહેરમાં કુલ 5,200 જેટલા ખાડા પડ્યા હતા. ક્યાંક વિવિધ કામગીરીઓ ચાલતી હોય છે. જેના કારણે પણ ખાડા પડ્યા હતા. જેમાં 382 ખાડા ડ્રેનેજ લાઇન સેટલમેન્ટના કારણે અને 49 ખાડા અલગ અલગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ખોદકામના કારણે થયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ના ઇજનેર વિભાગ દ્વારા સાતેય ઝોનમાં છેલ્લા ત્રણ દિવસથી 5,083 જેટલા નાના મોટા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. વેટ મિક્સથી 3,318, કોલ્ડ મિક્સથી 998, જેટ પેચરથી 274 અને હોટ મિક્સથી 493 ખાડા રીપેર કરવામાં આવ્યા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં 910, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 971, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 275, પૂર્વ ઝોનમાં 637, દક્ષિણ ઝોનમાં 1,011, મધ્ય ઝોનમાં 718 અને ઉત્તર ઝોનમાં 55 અને અલગ અલગ બ્રિજ પર 282 ખાડા પડ્યા હતા. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 962 ખાડા પૂરવામાં આવ્યા છે. ખાડાઓ પૂરવા માટે ઇજનેર વિભાગને દિવસ રાત કામગીરી કરવાની સૂચના આપી હતી. જે પણ રોડ ઉપર ખાડા પડ્યા છે અને રોડ બંધ કરી કામગીરી કરવાની હોય ત્યાં મોટાભાગે રાત્રે કામગીરી કરવાની સૂચના અપરાઇ છે. વરસાદ બંધ થયા બાદ હવે તુરંત જ રોડ પરના ખાડાઓ પૂરવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે, હજી કેટલીક જગ્યાઓ પર રોડ ખરાબ છે જેને હાલ વરસાદના કારણે કામગીરી ન કરી શકાય. તેથી તેને વરસાદ બાદ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.