Site icon Revoi.in

અમદાવાદમાં નવા બનાવેલા રોડને ખોદકામની મંજુરી અપાતી હોવાથી AMC કમિશનરે આપ્યો ઠપકો

Social Share

અમદાવાદઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડને પાણી-ગટરની લાઈનો કે વીજળી કે અન્ય ખાનગી કેબલના કામ માટે ખોદકામની મંજુરી આપી દેવામાં આવતી હોય છે. રોડ નવો બનતો હોય ત્યારે પાણી-ગટરના કે અન્ય કામો યાદ આવતા નથી.ત્યારબાદ નવા જ બનાવેલા રોડ પર ખોદકામને મંજુરી આપી દેવામાં આવતી હોય છે. રોડ પર ખોદકામ કાર્યા બાદ તેનું યોગ્યરીતે પુરાણ પણ કરવામાં આવતું નથી. આથી મ્યુનિ.કમિશનરે અધિકારીઓને આ સંદર્ભે કડક સુચના આપી છે. તેમજ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં નવો બનાવેલા રોડને ખોદવાની મંજુરી માગવા બાબતે બે ઈજનેરોને નોટિસ ફટકારીને કમિશનરે ઠપકો પણ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન સહિતના કેટલાક ઝોનમાં ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા નવો રોડ બનાવ્યા બાદ પાણી અને ગટરલાઈન નાખવા માટે ફરીથી રોડ તોડવા માટેની મંજૂરી માંગવા મામલે મ્યુનિસિપલ કમિશનરે પાણી અને ગટરનો હવાલો સંભાળતા અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સીટી ઇજનેર વિજય પટેલ અને પ્રણય પંડિતને નોટિસ ફટકારવા સૂચના આપી હતી. રીવ્યુ બેઠક દરમિયાન શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટના કામ માટે પણ રોડ ખોલવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જે રોડ હજી DLPમાં હતો અને તેને ખોલવા માટેની મંજૂરી માંગવામાં આવતા આ મુદ્દો સામે આવ્યો હતો. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા અને આવા અધિકારીઓ સામે નોટિસ ફટકારવાની સૂચના આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મ્યુનિ.ના રોડ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે, હવેના જે પણ રોડ બનાવવામાં આવે તો પાણી અને ગટરલાઈન અંગે સંકલન કર્યા બાદ જ કામગીરી કરવાની રહેશે. કમિશનરે  રીવ્યુ બેઠકમાં ફૂડ વિભાગના અધિકારીઓને પણ સૂચના આપી હતી કે, શહેરમાં જેટલા પણ પનીર, માવા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સાથે મિટિંગ કરો અને ફૂડ સેફટીના નિયમોના પાલનથી લઈ તમામ બાબતો પર માહિતી એકત્રિત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરો. શહેરમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે છે. જે તાત્કાલિક ધોરણે દૂર કરવા CNDC વિભાગને જણાવ્યું હતું. શહેરમાં ટેક્સની સીલીંગ ઝુંબેશને કડક કરવાની સૂચના પણ  રિવ્યુ કમિટીમાં આપવામાં આવી હતી. શહેરમાં સફાઈનું ધોરણ યોગ્ય છે. જે લોકો રોડ ઉપર થૂંકીને ગંદકી કરે છે. આવા લોકોની સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી હતી.