Site icon Revoi.in

અમદાવાદમાં રોડ-રસ્તાના કામોમાં ચાલતી લાલીયાવાડીથી AMC કમિશનર નારાજ

Social Share

અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાના મરામતના કામો શરૂ કરવામાં આવ્યા છે. નવરાત્રી સુધીમાં રોડ પર પડેલા ખાડાઓ પુરીને રોડ મરામતના કામો પૂર્ણ કરવાની ગણતરી હતી પરંતુ જે રીતે ધીમી ગતિએ રોડ મરામતના કામો ચાલી રહ્યા છે. તે જોતા દિવાળી સુધીમાં કામો પૂર્ણ થશે કે કેમ તે પ્રશ્ન છે, ત્યારે મ્યુનિના તાજેતરમાં મળેલી રિવ્યુ કમિટીની બેઠકમાં મ્યુનિ કમિશનરે  નારાજગી વ્યક્ત કરી હતી. રોડના પેચ વર્ક અને રી સરફેસની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટેની સૂચના આપી હતી.

અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરાવવાના કારણે કેટલાક સ્થળોએ રોડ પણ તૂટી ગયો છે. ઉબડ-ખાબડ રોડને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં વરસાદ બંધ થયા બાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોડના પેચ વર્ક અને રિ-રસફેસની કામગીરી ત્વરિત પૂર્ણ કરવાનો આદેશ અપાયો હતો. રોડ રિ-રસફેસના કામો નવરાત્રી સુધીમાં પૂર્ણ કરવાની ગણતરી હતી. પરંતુ હાલ રોડ મરામતના જે કામો ચાલી રહ્યા છે. તે જોતા દિવાળી સુધીમાં પણ કામો પૂર્ણ થયા તેમ લાગતું નથી.

અમદાવાદ શહેરમાં ​​​​​​​રોડ ઉપર થતા દબાણો અને ટ્રાફિકને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીર ઝાટકણી કાઢવામાં આવી હતી  ત્યારે રોડ પરના દબાણો દૂર કરવા અને સ્ટ્રીટ વેડિંગ પોલિસીનો અમલ કરાવવા માટેની અવારનવાર સૂચના આપી હોવા છતાં પણ એસ્ટેટ વિભાગ દ્વારા રોડ ઉપરથી દબાણો દૂર ન કરાતા હોવાને લઈને કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. દર વખતે રોડ પરના દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે છતાં પણ અસરકારક અમલ જોવા મળતો નથી જેના પગલે કડક કામગીરી કરવા માટેની સૂચના પણ મ્યુનિ. કમિશનરે આપી હતી.