Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં કોંગ્રેસને સ્થાન આપવા માગણી

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 24 નવેમ્બરે વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂકો કરાશે.  વિવિધ કમિટીઓમાં તમામ કોર્પોરેટરોને સભ્ય તરીકે સ્થાન આપવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે. ભાજપના તમામ કોર્પોરેટરોને વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ, વિપક્ષ કોંગ્રેસના એક પણ કોર્પોરેટરને કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આથી  વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે માંગણી કરી છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા માટે તમામ પક્ષના કોર્પોરેટરોને કમિટીઓમાં સ્થાન આપવાનું જોઈએ. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિપક્ષના સભ્યોને કમિટીઓમાં સભ્ય તરીકે સ્થાન અપાતું હતું. આ જુની પરંપરા હતા. પરંતુ, વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના નેતાઓ વિપક્ષને કમિટીઓમાં સ્થાન આપતા નથી. જેથી, વિપક્ષના કોર્પોરેટરોને પણ સ્થાન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, વર્ષ 1962માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષ સત્તા સ્થાને હતું ત્યારે મેયર જયકૃષ્ણ હરિ વલ્લભદાસ દ્વારા કમિટીઓમાં તમામ પક્ષના કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવતું હતું. આ પ્રણાલિકા વર્ષ 2010 સુધી સતત ચાલી હતી પરંતુ, ત્યારબાદ ભાજપ પક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તામાં આવ્યો અને તેમના ઉચ્ચ આગેવાનોની દોરવણીથી આ બાબતનો ભંગ કરી દેવામાં આવ્યો છે, માત્ર સત્તા પક્ષના કોર્પોરેટરને જ સ્થાન આપવામાં આવી રહ્યું છે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડો અને ગેરરીતિઓ વધી છે. પક્ષના કોર્પોરેટરનો કમિટીઓમાં સમાવેશ કરવામાં આવે, જેથી પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી તેનો ઉકેલ લાવી શકાય પરંતુ, ભાજપના સત્તાધીશો આ પ્રણાલિકાને તોડી પ્રજાની હાલાકી દૂર કરવામાં નિષ્ફળ રહી છે, જેથી કોંગ્રેસ પક્ષની માંગ છે કે, વિપક્ષનાં કોર્પોરેટરોનો પણ વિવિધ કમિટીઓમાં સમાવેશ કરવો જોઈએ.