અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ શહેરીજનો માટે ફરવાનું ડેસ્ટીનેશન બની ગયું છે. ત્યારે રિવરફ્રન્ટ પર નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓ દ્વારા દબાણો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દબાણો ન થાય તે માટે મ્યુનિ.ના સત્તાધિશોએ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દીધા છે. હવે રિવરફ્રન્ટ પર દબાણો ન થાય તેની જવાબદારી સિક્યુરિટીના જવાનોની રહેશે.જો કે એવુ કહેવાય છે. કે, મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા સિક્યુરિટી પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ અને પોલીસ વિભાગ કડક બને તો કોઈ દબાણ થઈ શકે નહીં. છતાં સિક્યુરિટી પાછળ પ્રજાના ટેક્સના નાણાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચા જાગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં એક દિવ્યાંગ યુવતીનો ટી સ્ટોલ ઉઠાવી લેવાને પગલે ભારે વિવાદ થયો હતો. આ પછી રિવરફ્રન્ટ ખાતે કોઈ પણ પ્રકારના દબાણો ઉભા થાય નહીં તે માટે મ્યુનિ.એ સિક્યુરિટી ગાર્ડ્સ મૂકી દીધા છે. મ્યુનિ.નો તર્ક એવો છે કે, દિવ્યાંગ યુવતી હતી એટલે તેનો સ્ટોલ ઉપાડી લેવાનો કોઈ ઈરાદો હતો જ નહીં પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોઈ પણ પ્રકારના દબાણો કરી શકાશે નહીં અને જો આ પ્રકારે દબાણો ઊભાં કરાશે તો મ્યુનિ.દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે.
એએમસીના અધિકારીઓના કહેવા મુજબ શહેરનો રિવરફ્રન્ટ એ અમદાવાદનું સૌથી જોવાલાયક સ્થળ છે અને અહીં જો દબાણો થાય તો તે ચલાવી લેવાશે નહીં. આ માટે મ્યુનિ. કમિશનરે એસ્ટેટ અને દબાણ વિભાગને પણ ખાસ સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વસ્ત્રાપુર, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારો જયાં સૌથી વધુ લોકોની અવરજવનર રહે છે ત્યાં બેરોકટોક લારી-ગલ્લાનાં દબાણોના કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે. સંખ્યાબંધ વખત અહીં દબાણો ખસેડવા માટે લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે છતાં પણ તે ફરિયાદો નજરઅંદાજ કરવામાં આવી રહી છે. મ્યુનિ. અને પોલીસના કેટલાક કર્મચારીઓની હપતાખોરીને કારણે દબાણો વધી રહ્યા છે.