અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં 1200થી વધારે નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં રાફડો ફાડ્યો છે. કોંગ્રેસ છેલ્લા 15 વર્ષથી વિપક્ષમાં છે તેમ છતા અમદાવાદ મનપાના 48 વોર્ડમાં ચૂંટણી લડવા માટે નેતાઓ આગળ આવી રહ્યાં છે. સૌથી વધારે સરસપુર-રખિયાલ વોર્ડમાં સૌથી વધારે 56 દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. આવી જ રીતે અસારવામાં 52, ભાઈપુરમાં 50 અને સૌજપુરબોધા વોર્ડમાં 49 નેતાઓએ દર્શાવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા-કાર્યકરો ચૂંટણી લડવા માટે દાવેદારી કરી રહ્યાં છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં નારણપુરામાં 9 અને નવરંગપુરામાં માત્ર 8 નેતાઓએ દાવેદારી કરી છે. આવી જ રીતે ગોતામાં 10, ચંદલોડિયામાં 12, ચાંદખેડામાં 24, સાબરમતીમાં 28, રાણીપમાં 13, નવા વાડજમાં 19, ઘાટલોડિયામાં 10, થલતેજમાં 12, સરદાર પટેલ સ્ટેડિયમમાં 24, સરદારનગરમાં 17, નરોડામાં 15, કુબેરનગરમાં 18, શાહીબાગમાં 24, શાહપુરમાં 23 અને ઈન્ડિયા કોલોનાનીમાં 28 નેતાઓએ દાવેદારી કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.