અમદાવાદઃ ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ ફોર્મ ચકાસણીની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ચૂંટણી જંગમાં ઝંપલાનારા ભાજપ-કોંગ્રેસના લગભગ 30થી વધારે ઉમેદવારો કરોડોની સંપતિ ધરાવે છે. જ્યારે 10 ટકાથી વધારે ઉમેદવાર ધો-10 સુધીનો અભ્યાસ ધરાવે છે. એટલું જ નહીં ચાર ઉમેદવારો પાસે પરવાનાવાળી રિવોલ્વર પણ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના થલતેજ વોર્ડમાંથી ઉમેદવારી કરનારા ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ પાસે લગભગ 34 કરોડની સંપતિ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સમીર પઠાણ પાસે 16 કરોડના શેર, 14 કરોડની જમીન મળીને 32 કરોડની સંપતિ હોવાનું જાણવા મળે છે. ગોતામાંથી ભાજપના ઉમેદવાર પારુલ પટેલ 10.25 કરોડની મિલકતો ધરાવે છે. ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારો પૈકી 30થી વધુ ઉમેદવારોની સ્થાવર મિલકત જ તેમણે ચૂંટણીપંચમાં ફાઈલ કરેલી ઓન રેકોર્ડ એફિડેવિટ પર 1 કરોડથી વધારે દર્શાવી છે.
કોર્પોરેશનમાં ઉમેદવારી કરનારા ઉમેદવારો પૈકી પશ્ચિમ વિસ્તારના ઉમેદવારો પાસે વધારે સંપતિ હોવાનું સામે આવ્યું છે. ધનિક 10 ઉમેદવાર પૈકી 7 અમદાવાદ પશ્ચિમ અને 3 અમદાવાદ પૂર્વના છે. આ ઉપરાંત 10 ટકાથી વધારે ઉમેદવારો ધોરણ 10થી ઓછું ભણેલા છે. સૌથી ઓછું ભણેલા અમરાઈવાડીના કોંગ્રેસનાં પાર્વતીબેન પરમાર હોવાનું જાણવા મળે છે જેઓ માત્ર ધો.3 પાસ છે. ધોરણ 7 થી 9 પાસ હોય તેવા 6 થી વધારે ઉમેદવારો છે. આ ઉપરાંત ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો નોંધાયેલા છે. બંને પક્ષના અનેક ઉમેદવારો મારા-મારી અને ધમકી સહિતના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળે છે.