અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ દિવાળીના પર્વને લીધે ઓકટોબર મહિનાનો પગાર 20મી ઓક્ટોબરના રોજ અપાશે. આ લાભ મ્યુનિના પેન્શનરોને પણ મળશે. દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરના રોજ ચાલુ મહિનાના અંતમાં આવતો હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો સારીરીતે દિવાળીનું પર્વ ઉજવી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 10 દિવસ પહેલા એટલે કે 20 ઓક્ટોબરના રોજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સાતમા પગાર પંચ મુજબ ઘરભાડાના ભથ્થા અને મેડિકલ એલાઉન્સમાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હોવાથી હવે મ્યુનિના તમામ કર્મચારીઓને રૂ. 300ની જગ્યાએ રૂ. 1000નું મેડિકલ એલાઉન્સ મળશે. જ્યારે ઘરભાડું સાતમા પગાર પંચ મુજબ બેઝિક પગારના 24 ટકા આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના પગાર અને તેમના ભથ્થામાં થયેલા વધારાને લઈ પરિપત્રો જારી કરી દેવાયા છે. જેમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 ઓક્ટોબરના રોજ પગાર અને પેન્શનની ચુકવણી કરવામાં આવશે. 11 ઓક્ટોબર સુધીમાં તમામ કર્મચારીઓ અને પેન્શનરોની એન્ટ્રી કરી અને નાણા વિભાગને મોકલી આપવા નાણા ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. મેડિકલ એલાઉન્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવેથી દર મહિને 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ તમામ કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામવાના કિસ્સામાં વીમા કવચ અને નિવૃત્તિના સમયે ભેગા થયેલા ભંડોળનો લાભ મળે તેના માટે જૂથ વીમા યોજના લાગુ કરવામાં આવી છે, જે મુજબ તમામ કર્મચારીઓને ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જે મુજબ દર મહિને વધુમાં વધુ 400 અને ઓછામાં ઓછા 50 રૂપિયા કેટેગરી મુજબ પગારમાંથી કપાત થાય છે. જે સરકાર દ્વારા જૂથ વીમા યોજનામાં ફેરફાર કરવામાં આવતા હવે તેમના ફાળાની રકમ અને કપાતની રકમમાં પણ ફેરફાર થયો છે.