અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા મ્યુનિ. નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે 15 દિવસ બાદ પણ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નહીં આવતાં મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા અચોક્ક્સ મુદતની હડતાલ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળના સભ્યોની બેઠક મળી હતી. જેમાં કમિશનર દ્વારા જે રીતે પ્રશ્નોને લઈ ધ્યાન નથી આપવામાં આવ્યું તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આજે 23મીએ કાળી પટ્ટી બાંધી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ. નોકર મંડળના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો છેલ્લા 15 વર્ષથી ઉકેલ લાવવામાં આવતો નથી. અગાઉ પણ મ્યુનિ.કમિશનરને રજુઆતો કરવામાં આવી હતી. તેમજ 7મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ મ્યુનિ.કમિશનર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. જેથી મંડળ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કે, 23મી સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવશે અને જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો સફાઈ, ફાયરબ્રિગેડ, AMTS, ગટર, પાણી, રોડ, રેફયુઝ, વર્કશોપ વગેરે વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે. આગામી દિવસોમાં હજારો કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કરે અને મસ્ટર સ્ટેશન પર પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિના નોકર મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. જેમાં AMCમાં કામ કરતા 119 સફાઇ કામદારોને બોપલ ઘુમા નગરપાલિકામાં મક્યા છે. તેમને મૂળ જગ્યાએ મુકીને કામગીરી કરાવવી, તથા AMCના સ્ટાફ ક્વાટર્સમાં સફાઈ કામદારોના મકાનોનું રીડેવલપમેન્ટ કરવું અથવા પાકુ મકાન આપવું, AMCમાં 7 ઝોનના મસ્ટર સ્ટેશનમાં સફાઇ કામદારોની ખૂબજ અછત હોવાથી “સી” રજીસ્ટર સફાઇ કામદારોની ભરતી કરવી, હેલ્થ મસ્ટર સ્ટેશન પર સાઇ કામદાર તરીકે કામ કરતા પાર્ટટાઇમ તેમજ ફુલટાઇમ સફાઇ કામદારોએ અગાઉ ફરજો બજાવેલ હોઇ પરંતુ આકસ્મિક કારણોસર ફરજ ઉપર આવી શકયા ન હોય તેવા સફાઇ કામદારોને પુનઃ ફરજ પર હાજર કરવા, સફાઈ કામદારો આજે પણ હાથે અને માથે મેલુ ઉપાડે છે. અને આ પ્રથા આખા દેશમાં બંધ છે. વર્ષ 2013માં આ કામ નહી કરવા માટે કાયદો પણ અમલમાં છે. તો આ કામગીરી કરાવનાર અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી. અને આ કામગીરી બંધ કરાવવી., કાયમી સફાઇ કામદારો મેડીકલી અનફીટ તથા આકસ્મિક મરણ થતા હોય છે. તેવા કિસ્સાઓમાં પરિણત દીકરીઓને વારસદારની નોકરીનો લાભ આપવો., કોર્પોરેશનમાં ખાલી પડેલી સેનેટરી સબ ઇન્સપેકટરની જગ્યાઓ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવનો અમલ કરીને ખાતામાંથી 100એ 25 ટકા સફાઇ કામદારોમાંથી સેનેટરી સબ ઇન્સપેકટરની ભરતી કરવી. સહિત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો સમાવેશ થાય છે.