અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી સત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા-ઊલટી, મેલેરિયા તાવ, ડેન્ગ્યુ, ટાઈફોડ. કમળો સહિતના કેસમાં વધારો થયો છે. માત્ર સરકારી જ નહીં પણ ખાનગી દાવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના નાશ માટે ફોગિંગ, દવાનો છંટકાવ,મચ્છરોના પોરાને શોધીને નાશ કરવામાં આવી રહ્યા છે. જોકે મ્યુનિ, વિપક્ષ કોંગ્રેસે મ્યુનિના આરોગ્ય વિભાગની કામગીરીને નિષ્ફળ ગણાવી છે.
એએમસીના વિપક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે કરોડો રૂપિયાના મશીન અને દવાના છંટકાવ માટે ચોમાસા પહેલા ટેન્ડર પ્રક્રિયા કરી અને કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે ત્યારે શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. એએમસીના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો માટે કરોડો રૂપિયાનું બજેટ મલેરીયા વિભાગ અને હેલ્થ વિભાગને આપે છે તેમ છતાં પણ આ રોગો સતત વધી રહ્યા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને અટકાવવાની જવાબદારી મ્યુનિ. આરોગ્ય વિભાગની છે છતાં નિષ્ફળ રહ્યા છે. આમ ભાજપ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના રાજમાં શહેર સ્માર્ટ સીટી નહી પરંતુ, બીમાર સીટી બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 6 ઓગસ્ટ સુધીમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ઝાડા-ઊલટીના કુલ 4,388 કેસ, કમળાના 931 કેસ, ટાઇફોઇડના 2286 કેસ, કોલેરાના 24 કેસ, સાદા મેલેરીયાના 384 કેસ, ઝેરી મેલેરીયાના 21 કેસ, ડેન્ગ્યુના 464 કેસ અને ચીકનગુનીયાનાં કુલ 22 કેસ થયા છે. અમદાવાદ શહેરમાં એક તરફ મ્યુનિ. કોર્પોરેશન પ્રી-મોન્સૂનના નામે કરોડો રૂપિયાનું ખર્ચ કરે છે પરંતુ, સામાન્ય વરસાદ પડતાં જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે. તેથી ગંદકીના લીધે મચ્છરો સહિતની જીવાતોને ઉપદ્રવ વધી ગયો છે, તેનાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની આશંકા સેવાઇ રહી છે. શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને કારણે શહેરના નાગરિક બીમાર પડી રહ્યાં છે. લોકો ડેન્ગ્યુ, મેલેરીયા જેવી બીમારીથી પીડાઇ રહ્યા છે.