Site icon Revoi.in

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને ગંદકીના મુદ્દે AMCએ 50,000નો દંડ ફટકાર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં ગંદકી કરનારા સામે એએમસી દ્વારા દંડનીય પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ પર ગંદકી અને નુકસાન થાય તો આવા કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ ફટકારી દંડ વસૂલવાની મ્યુનિ.કમિશનરે સૂચના આપી છે. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ગિરધરનગર ઓવરબ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ સાઇટ પરથી નીકળતાં ડમ્પરોમાંથી મુખ્ય માર્ગ ઉપર કાદવ-માટી ચોંટતા હતા, તે નજરે પડતાં આસી.કમિશનરે સોલીડ વેસ્ટ ખાતાનાં શાહીબાગ વોર્ડનાં અધિકારી-કર્મચારીને બોલાવી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનાં અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દંડ વસૂલ કરવાની સૂચના આપી હતી. તેના પગલે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનાં કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી હતી અને 50 હજાર રૂપિયાનો દંડ ભરપાઇ કરી દેવાની તાકીદ કરવામાં આવી હતી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં બાંધકામની સાઈટ પર કોન્ટ્રાકરો દ્વારા સ્વચ્છતાની પુરતી તકેદારી રાખવામાં આવતી નથી. બિલ્ડરો દ્વારા પણ શહેરમાં ચારેકોર બાંધકામ સાઇટ ધમધમી રહી છે, તે સિવાય અન્ય કોઇ પ્રોજેક્ટ પણ ચાલતા હોય અને તેમાં જમીન ખોદીને માટીનો નિકાલ કરવામાં આવતો હોય છે તેમજ જૂના ફ્લેટ તોડી રિડેવલોપમેન્ટ થતુ હોય ત્યાં પણ કાટમાળનો નિકાલ થતો હોય છે. આ બધી કામગીરી માટે મોટા-મોટા ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં ટાયરમાં સાઇટની માટી-કાદવ ચોંટી રોડ પર ફેલાતા હોય છે. રોડ ચોખ્ખા રાખવા માટે ડમ્પરનો ઉપયોગ કરતાં બાંધકામ સાઇટવાળા તથા અન્ય પ્રોજેક્ટ માટે કેટલાક નીતિનિયમો જાહેર કર્યા હતા અને તેના અમલીકરણની જવાબદારી એસ્ટેટ અને સોલીડ વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે.
​​સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં બાંધકામ સાઇટ કે કન્સ્ટ્રકશન પ્રોજેક્ટમાંથી રેતી-માટી અને સિમેન્ટનાં રજકણો હવામાં ફેલાઇને વાયુ પ્રદુષણ વધારે નહિ તે માટે તમામ સાઇટ ખાતે ગ્રીન નેટ લગાવવાનો મ્યુનિએ આદેશ કર્યો છે. અને તેનાં પાલનની જવાબદારી સાત ઝોનનાં એસ્ટેટ ટીડીઓ ખાતાને સોંપવામાં આવી છે. નિયમ ભંગ કરતી સાઇટને સીલ મારવાની પણ સૂચના આપવામાં આવી છે. છતાં પણ મ્યુનિના સોલીડ વેસ્ટ કે એસ્ટેટ-ટીડીઓ ખાતાના અધિકારીઓ સીલ મારવા કરતા તેઓને નજીવો દંડ ફટકારી અને તેમના ઉપર રહેમનજર રાખતા હોય છે