અમદાવાદઃ શહેરને નર્મદાના પાણીનો પુરતો જથ્થો મળતો હોવાથી પાણીની કોઈ સમસ્યા નથી. પરંતુ તંત્રના વાંકે કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણીનું વિતરણ થતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે એએમસીના વોટર સપ્લાય કમિટીના ચેનમેન દ્વારા મ્યુનિ.ના ઈજનેરી વિભાગને સ્પષ્ટ સુચના આપીને લોકોને પુરતા પ્રેશરથી પાણી મળી રહે એવું પ્લાનિગ કરવાની તાકીદ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા શહેરના જેટલા તળાવો આવેલા છે તેને ઇન્ટર લિન્કિંગ અને ડેવલપ કરવા માટેની કવાયત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા 4 જેટલા તળાવોને ઇન્ટરલિંગ કરવામાં આવશે. જ્યારે હાથીજણ ગામનું તળાવ ડેવલપમેન્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી મળી રહે અને પાણી સંબંધિત ફરિયાદો ન આવે તેને લઈને ઇજનેર વિભાગને તાકીદ કરવામાં આવી છે.
આ અંગે વોટર સપ્લાય કમિટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવામાં આવેલા તળાવ, બીબી તળાવ, વાંદરવડ તળાવ અને વટવા ગામના એક તળાવ સહિતના તળાવ ઈન્ટરલિંક કરવામાં આવશે. રૂપિયા 6.5 કરોડના ખર્ચે હાથીજણ ગામનું તળાવ ડેવલોપ કરવામાં આવશે તેમજ રામોલ તળાવને પણ ડેવલોપ કરવા તેનો અંદાજ નક્કી કરવા માટે ઇજનેર વિભાગને સુચના આપવામાં આવી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણીનો સપ્લાય મળી રહે તે માટે પગલાં લેવા સૂચના અપાઈ છે. તહેવારોમાં પાણીના અપૂરતા પ્રેશરની ફરિયાદો ન ઉઠવા પામે તે માટે ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે. તમામ STP અને વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં ઝાડી-ઝાંખરા દૂર કરવા, સફાઈ કરવા, પેવર બ્લોક લગાવવા અને પ્લાન્ટેશન કરવા સૂચના આપવામાં આવી છે. શાહપુર વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશરની ફરિયાદનો નિકાલ કરવા યોગ્ય પગલાં લેવા તાકીદ કરાઈ છે.