Site icon Revoi.in

અમદાવાદમાં ગણેશજીના વિસર્જન માટે AMC દ્વારા 8 કરોડના ખર્ચે 50 કુંડ તૈયાર કરાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. ઘણાબધા ભાવિકોએ પોતાના ઘરમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ 10 દિવસ વિધ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. બાદમાં ભગવાનની મૂર્તિને વિસર્જન માટે નદીમાં પધરાવે છે. ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી નદીના પટમાં અલગ-અલગ સાઈઝના વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ. 8 કરોડના ખર્ચે 50 કુંડ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં સૌથી વધુ 15 કુંડ બનાવવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ગણેશ વિસર્જન માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોનમાં રૂ. 1.80 કરોડના ખર્ચથી 15 વિસર્જન કુંડ બનાવવામાં આવશે, જયારે મધ્યઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 15, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 03 વિસર્જન કુંડ બનાવવા માટે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. 7 ઝોનમાં 50થી વધુ વિસર્જન કુંડ સહિત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. વિસર્જન કુંડને યોગ્ય રીતે કોર્ડન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત AMCનો સ્ટાફ, પોલીસ જવાનો અને ફાયર વિભાગના જવાનો પણ વિસર્જન કુંડ ખાતે હાજર રહેશે.વિઘ્નહર્તાનો ઉત્સવ કોઈપણ વિઘ્નવિના સંપન્ન થાય તેવી વ્યવસ્થા મ્યુનિ. કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે. ભક્તોને પણ ગાઈડલાઈનનું પાલન કરવા AMCએ અપીલ કરી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં  પંડીત દીનદયાલ હોલના ખાચામાં, રાજપથ કલબ રોડ, પ્રેરણા વિધાલય નજીક, ક્રિષ્ના પરોઠાથી સિંધુભવન રોડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, ગોતા ઈ.ડબ્લ્યુ એસ. કવાર્ટસની બાજુમાં, એપોલો સ્કુલની બાજુમાં, વંદેમાતરમ શાક માર્કેટની સામે, શગુન કાસા ફલેટ પાસે , રત્નાકર-૪ ની પાછળ, રીવેરા આર્કેડની પાછળ, સાબરમતી અચેર સ્મશાન ગૃહ પાસે, મોટેરા ઔડા ગાર્ડનની સામે (ઔડા તળાવની સામે) તળાવની પાસે, રાણીપ કાળીગામ તળાવની પાસે, આહવાડીયા તળાવની પાસે, ચાંદખેડાટી.પી 44 પ્લોટ નં. 248 અને 249 પાસે, વડુ તળાવ પાસે, આમ્રકુંજ બંગ્લો પાસે, નારણપુરા વલ્લભ ચાર રસ્તા, સંસ્કાર ભારતી સોસાયટી સામે, તેમજ પાલડી એન.આઈ.ડી.ની પાછળ અને એન.આઈ.ડી. પાછળ (ઝીપ લાઈન પાસે) રિવરફ્રન્ટ ખાતે કુંડ બનાવવામાં આવ્યા છે.