અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવતા મહિને વાયબ્રન્ટ સમિટ 2024 યોજાશે. જેમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ તેમના પ્રતિનિધિ મંડળ સાથે આવશે. ગાંધીનગર અને અમદાવાદ ટ્વીનસિટી હોવાથી અમદાવાદના તમામ ફાઈવસ્ટાર હોટલો બુક કરી દેવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરના તમામ રોડ રસ્તાઓ વાયબ્રન્ટ સમિટ પહેલા જ રિસરફેસ કરી દેવાનો મ્યુનિ. દ્વારા આદેશ કરાયો છે. ગુરૂવારે મળેલી એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઝોનવાઇઝ રોડની કામગીરી મામલે ચર્ચા કરવામાં આવી હતી. આગામી 31 ડિસેમ્બર સુધી સાતેય ઝોનના 59 કિલોમીટરના 85 રોડની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે, જેની પાછળ કુલ 313.36 કરોડનો ખર્ચ કરાશે..
અમદાવાદ શહેરના રોડ રસ્તાઓના કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાની મ્યુનિ,ના સ્ટેન્ડિંગ કમિટીએ તાકિદ કરી છે. શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડ-રસ્તાઓને મરામત કરવાની કામગીરી દિવાળી બાદ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ કામો પૂર્ણ કરી શકાયા નથી. ત્યારે તમામ કામો ડિસેમ્બરની અંત સુધીમાં પૂર્ણ કરવાની તાકિદ કરવામાં આવી છે. એએમસીના સ્ટેન્ડિંગ કમિટીની ગુરૂવારે મળેલી બેઠકમાં પણ રોડ-રસ્તાના મરામતના કામો સત્વરે પુરા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને અધિકારીઓને 31મી ડિસેમ્બર સુધીમાં રોડ-રસ્તાના કામો પુરા કરવા સુચના આપવામાં આવી હતી.
ગાંધીનગરમાં આવતા મહિને જાન્યુઆરી-2024માં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયુ છે. જેથી વાઇબ્રન્ટ સમિટના રૂટ ઉપર આવતા તમામ રોડ-રસ્તાને 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 15 રોડની કામગીરી ચાલુ છે. ઉત્તર ઝોનમાં 12 રોડની કામગીરી ચાલી રહી છે. રોડ પ્રોજેક્ટના 21,690 મીટરના 17 રોડની કામગીરી ચાલી રહી છે. તેની પાછળ 188.13 કરોડ રૂપિયા ખર્ચ થશે.