અમદાવાદમાં કરોડોને ખર્ચે બનાવાયેલી મ્યુનિ.ની SVP હોસ્પિટલનો ખર્ચ હવે AMCને પોસાતો નથી
અમદાવાદઃ શહેરમાં વી.એસ હોસ્પિટલના કેમ્પસમાં નદી કિનારા પર સરદાર વલ્લભભાઈ પટેલ ( SVP) હોસ્પિટલ કરોડોના ખર્ચે મ્યુનિએ બનાવી છે. આ હોસ્પિટલમાં મ્યુનિની અન્ય હોસ્પિટલો કરતા સારવારના વધુ ભાવ નિયત કરાયા છતાં હોસ્પિટલ દર મહિને લાખો રૂપિયાની ખોટ કરી રહી છે. મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ પાછળ દર મહિને 17 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. હવે મ્યુનિ.ના સત્તાધિશોને આ તોતિંગ ખર્ચ પોસાતો નથી, બીજીબાજુ હોસ્પિટલમાં દર્દીઓ પણ ઘટી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં સારી અને સસ્તી ખાનગી હોસ્પિટલ જેવી જ અદ્યતન સુવિધાઓ સાથે સારવાર મળી રહે તેના માટે કરોડો રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP હોસ્પિટલ) બનાવવામાં આવી છે. જેનું વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જુની વીએસ હોસ્પિટલને ભાંગીને તેના કેમ્પસમાં નવી બનાવાયેલી એસવીપી હોસ્પિટલ હવે AMC માટે ધોળા હાથી સમાન બની ગઈ છે. SVP હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને હોસ્પિટલ પાછળ મહિને 17 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ ચલાવવી મુશ્કેલ બની છે. હેલિપેડ જેવી વ્યવસ્થા સાથે 12 માળની અદ્યતન સુવિધા ધરાવતી આ અર્ધ સરકારી હોસ્પિટલ હોવા છતાં પણ આજે દર્દીઓ ન આવતા હોસ્પિટલ ખુદ હવે વેન્ટિલેટર ઉપર છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના નાગરિકો સારી અને અદ્યત્તન સારવાર મેળવી શકે તે માટે વી.એસ હોસ્પિટલના કેમ્પસમાં જ એસવીપી હોસ્પિટલનું મ્યુનિએ કરોડોના ખર્ચે નિર્માણ કર્યું હતું. શહેરના મધ્યમ વર્ગીય અથવા સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ પરવડતો નથી. જેના માટે લોકોને નજીવા દરે સારી અને અદ્યતન સુવિધાઓ ટેકનોલોજી સાથે સારવાર મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને એલિસબ્રિજ વિસ્તારમાં વીએસ હોસ્પિટલની બાજુમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ (SVP હોસ્પિટલ) બનાવવામાં આવી છે. લોકાર્પણના એક વર્ષ બાદ તુરંત જ કોરોનાકાળ આવી ગયો હતો. કોરોનાકાળમાં SVP હોસ્પિટલમાં સારવાર એટલી સારી હતી કે કોરોનાની સારવાર લેવા માટે રાજકીય નેતાઓ અને IAS અધિકારીઓની ભલામણથી દર્દીઓને દાખલ કરવામાં હતા. SVP હોસ્પિટલમાં ખૂબ જ હોશિયાર અને સારા ડોક્ટર હોવા છતાં પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે કોઈ દર્દીઓ જ આવતાં નથી. મા કાર્ડ શરૂ કર્યા બાદ આ હોસ્પિટલમાં દરરોજના માત્ર 200થી 250 જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. હોસ્પિટલના ખર્ચ દર મહિને 17 કરોડ જેટલો થાય છે. અને આ ખર્ચ નાગરિકોના ટેક્સની આવકમાંથી જ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનને એસવીપી હોસ્પિટલ ઉપરાંત વી.એસ હોસ્પિટલની ઓપીડી, એલ.જી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ તેમજ નગરી આંખની હોસ્પિટલનો ખર્ચ પણ ઉઠાવવો પડે છે. એટલે સરકાર દ્વારા પુરતી મદદ મળે તે જરૂરી છે.