અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓ પર 1386 જેટલાં ધાર્મિક દબાણો છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગૃહ વિભાગની સુચનાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પરના નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવામાં આવશે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા 1386 ધાર્મિક પ્રકારના દબાણને 7 દિવસમાં દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ-રસ્તાઓ પર નડતતરુપ એવા ધાર્મિક સ્થાનના દબાણો દૂર કરવા શહેરના તમામ સાત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાવા પ્રકરણ-એસ.એલ.પી.(સિવીલ) નંબર-8519-2006 અન્વયે 29 જુન-2009 તથા 7 ડિસેમ્બર-2009ના હુકમ તેમજ હાઈકોર્ટમાં દાવા પ્રકરણ – એસ.સી.એ.- નંબર-9686-2006ના આદેશ ઉપરાંત રાજયના ગૃહ વિભાગના 19 એપ્રિલ-2024ના ઠરાવ મુજબ સાત દિવસના સમયમાં રોડ ઉપર જાહેર જગ્યામાં કરવામાં આવેલા ધાર્મિક પ્રકારના દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી છે. દરમિયાન શહેરના વટવા ઉપરાંત વિરાટનગર, ઈન્ડિયા કોલોની વોર્ડ તેમજ રામોલ તથા ઈસનપુર વોર્ડના ભાડુઆત નગર વિસ્તારમાં આવેલા મંદિરની સાથે સરદારનગર વોર્ડમાં આવેલા મંદિરને દૂર કરવા એસ્ટેટ વિભાગે નોટિસ આપતા વિવિધ ધાર્મિક સંગઠનોના આગેવાના દ્વારા રોડ ઉપરના નડતરરુપ ધાર્મિક સ્થાનો સામે કાર્યવાહી નહીં કરવા વિવિધ સત્તાધીશો સમક્ષ રજુઆત કરવામા આવી હતી.
એએમસી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે પ્રોગ્રેસ રીપોર્ટ પણ રજૂ કરવામા આવશે. દરમિયાન ગઈ કાલે ગુરૂવારે શહેરના વટવા વોર્ડ ઉપરાંત અન્ય વોર્ડ વિસ્તારમાં રોડ ઉપરના કેટલાક ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત અન્ય કેટલા ધાર્મિક સ્થાનોને દૂર કરવા માટે નોટિસ અપાઈ છે.