અમદાવાદ: ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. જેમાં અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશને રખડતા ઢોર સામે ઝૂંબેશ ચલાવ્યા બાદ હજુ પણ રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. જેના કારણે હવે રખડતા ઢોર પર અકુંશ આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજિયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. એએસસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે. લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ લગાવાયો છે, જેમાં ત્રણ વર્ષની મુદતની જોગવાઈ કરવામાં આવી છે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.એ જાહેર કરેલી નવી પોલીસી પ્રમાણે પાંજરાપોળ અને ગોશાળા તેમજ માન્ય સંસ્થાઓએ પણ લાયસન્સ અને પરમીટ લેવામા રહેશે. પરંતુ તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યારબાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહી તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાશે. નવી પોલીસીમાં પશુઓના ઘાસ વેચાણ માટે પણ ફરજીયાત લાયસન્સ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ઢોર દિઠ રૂપિયા 200નું રજીસ્ટ્રશન કરવું પડશે. પશુ દીઠ RFID અને પશુ માલિક તથા પશુ નોંધણી ફરજીયાત રહેશે. હાલ એએમસી દ્વારા શહેરમાં 96 હોટ સ્પોટ જાહેર કરાયા છે. તે અંગે કાલે ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.