Site icon Revoi.in

AMCએ બિલ્ડર્સની સાઈટ પર ટાવર ક્રેન માટે બનાવ્યા નવા નિયમો,

Social Share

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ વિભાગો સક્રિય બન્યા છે. અને ભવિષ્યમાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે બિલ્ડરોની સાઈટ પર ટાવર ક્રેન માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બિલ્ડરોની બાંધકામ સાઈટ પર ગગનચૂંબી ટાવર ક્રેન દ્વારા માલ-સામાન ઉપર ચડાવાતો હોય છે. એટલે કે ઉંચી ઇમારતો બનાવવામાં કન્સ્ટ્રક્શન ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. બાંધકામ દરમિયાન દુર્ઘટનાને ટાળવા તેમજ સાઈટ પર કામ કરતા મજૂરો અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ટાવર ક્રેનના ઉપયોગ બાબતે કાર્ય પદ્ધતિ નક્કી કરી છે. ટાવર ક્રેનના ઉપયોગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને સલામતીના ભાગરૂપે કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી થશે તેની બાંહેધરી આપવી પડશે. અરજદાર, માલિક, ડેવલોપર, એન્જિનિયર, આર્કિટેક અને સ્ટ્રક્ચરર એન્જિનિયરિંગની સહીવાળું બાંહેધરી પત્રક આપ્યા બાદ જ તેને ઇન્સ્ટોલ અને ઉપયોગ કરી શકાશે. આ માટે બિલ્ડરોએ ટાવર ક્રેનનું ફરજિયાત સર્ટિફિકેટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લેવું પડશે. પીક અવર્સમાં ટાવર ક્રેનને રોડ તરફ મૂવમેન્ટ કરી શકાશે નહીં.

અમદાવાદમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામમાં માલ સામાનના વહન માટે ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે મ્યુનિ.કોર્પોરેશને નવા નિયમો બનાવ્યા છે. જેમાં ફેક્ટરી એક્ટ મુજબ રાજ્ય સરકારના સર્ટિફિકેટ ઓફ કોમ્પેટેન્સી અને ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નિયુક્ત કરેલી એજન્સીનો ઇન્સ્પેક્શન રિપોર્ટ, સેફ્ટી સર્ટિફિકેટ સમય મર્યાદામાં મેળવી બાંધકામ સાઈટ  પર રજા ચિઠ્ઠી સાથે ડિસ્પ્લે કરવાનું રહેશે. ટાવર ક્રેનને નિયમિતપણે મેઈન્ટેનન્સ કરી સલામત અને સારી વર્કિંગ કન્ડિશનમાં રાખી સમયાંતરે ઇન્સ્પેકશન કરાવડાવી રિન્યુ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.

અમદાવાદમાં અંદાજિત 50થી વધુ કન્સ્ટ્રકશન સાઈટો ઉપર ટાવર ક્રેનનો ઉપયોગ કરી ઇમારતો બાંધવામાં આવી રહી છે. ઊંચી ઇમારતોના બાંધકામ સમયે સાઇટના માલિક, કબ્જેદાર, ડેવલોપર, નિયુક્ત એન્જિનિયર્સ (POR)/ટાવર ક્રેનના ઓપરેટર/કોન્ટ્રાક્ટર દ્વારા કન્સ્ટ્રક્શન ટાવર ક્રેનના ઈન્સ્ટોલેશન અનુસંધાને કરવાની થતી કામગીરી શરૂ કરતાં અગાઉ અને ઈન્સ્ટોલેશન/ઓપરેશન કરવાની કામગીરી દરમિયાન આ કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે. જો કોઈપણ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા આ કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી નહીં કરવામાં આવે તો બિલ્ડર સહિત લાગતા વળગતા લોકોને નોટિસ આપી બાંધકામ સાઇટને બંધ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એએમસીએ જે નવા નિયમો બનાવ્યા છે, એમાં હવેથી માલિક/ડેવલોપર્સ વગેરે દ્વારા ટાવર ક્રેનના Erection, ડિસમેન્ટલિંગ એન્ડ હાઇટ અલ્ટ્રેશન ઓપરેસન્સ અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેનના ટેકનિકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઈઝિંગ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ કરવાની રહેશે. ટાવર ક્રેન અને તેના પાર્ટસની સલામતી/ ટેસ્ટિંગ માટેનું સર્ટિફિકેટ ઓફ ઇનિટિયલ એન્ડ પિરિયોડિક ટેસ્ટ એન્ડ એક્ઝામિનેશન ઓફ ક્રેન અથવા હોઇસ્ટસ એન્ડ ધેર એસેસરિઝ ગિયર વગેરેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે થર્ટ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ રજુ કરવાનો રહેશે. ટાવર ક્રેનના ઓપરેશન દરમિયાન આજુબાજુની મિલકત તથા સંલગ્ન રસ્તા પરથી પસાર થતા લોકોની જાનમાલનું નુકશાન ન થાય તે અંગેની તથા સલામતિની સંપૂર્ણ જવાબદારી ટાવર ક્રેન સંચાલકો તથા માલિક/ડેવલોપર્સની રહેશે.

 

#ConstructionSafety #TowerCranes #BuildingRegulations #AhmedabadMunicipalCorporation #WorkplaceSafety #UrbanDevelopment #BuilderGuidelines #StructuralEngineering #SafetyFirst #CraneOperation #BuildingStandards #ConstructionManagement