AMC: બાકી વેરાની વસુલાત અંગે મેગા સીલીંગ ઝુંબેશ, પાંચ હજારથી વધારે મિલકતો સીલ
અમદાવાદઃ શહેરમાં બાકી મિલકત વેરો વસુલવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ વ્યાજ માફી આપવામાં આવી રહી છે. જેથી મનપાની તિજોરી છલકાઈ છે. બીજી તરફ કોર્પોરેશનની ટીમોએ બાકી મિલ્કત વેરા સંદર્ભે સવારથી જ સમગ્ર શહેરમાં સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં તંત્રની વિવિધ ટીમોએ કોમર્શિયલ એકમોની યાદી તૈયાર કરી તેના આધારે સીલ મારવાની શરૂઆત કરતા ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે. એક જ દિવસમાં પાંચ હજારથી વધારે મિલકતોને સીલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મનપા બાકી ટેક્સની વસુલાત માટે સીલીંગ ઝુબેશની સાથે પાણી-ગટરના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે. એટલું જ નહીં વીજ કંપની સાથે મળીને બાકીદારોનાં વીજળીનાં કનેક્શન પણ કાપવાની કામગીરી તંત્રએ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત શુક્રવારના રોજ પહેલી વખત મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરાઈને શહેરની કુલ 8700 જેટલી કોમર્શિયલ મિલકતને તાળાં મરાયાં હતાં. તે દિવસે આ મેગા સીલિંગ ઝૂંબેશથી તંત્રની તિજોરીમાં રૂ. 25 કરોડ જેટલી માતબર રકમ ઠલવાઈ હતી. આજે ફરીથી મ્યુનિસિપલ સત્તાધીશોએ શહેરમાં મેગા સીલિંગ ઝૂંબેશ હાથ ધરી હતી. કોર્પોરેશનના ચોપડે વન ટાઇમ સેટલમેન્ટ યોજના તેમજ સીલિંગ ઝૂંબેશથી પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓ કુલ 1.94 લાખથી વધુ નોંધાયા છે. આની સામે હજુ 10 લાખથી વધુ કરદાતાઓએ પોતાનો બાકી ટેક્સ મ્યુનિ. તંત્રમાં ભર્યો નથી. આજે મનપાની સીલીંગ ઝુંબેશ દરમિયાન પાંચ હજારથી વધારે મિલકતોને સીલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.