AMCના સ્કૂલબોર્ડનું બજેટઃ અંગ્રેજી માધ્યમની 10 શાળા શરૂ કરાશે, શિક્ષકો માટે યુનિફોર્મની જોગવાઈ
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બોર્ડનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ છે. જેમાં બજેટના કદમાં રૂપિયા 27 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં કેટલીક નવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો એક જ યુનિફોર્મ રહેશે. શહેરમાં અંહ્રેજી માધ્યમની 10 શાળાઓ શરૂ કરવામાં આવશે. બજેટમાં વિદ્યાર્થીઓને શાળાલક્ષી કાર્યો તેમજ શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2024-25નું બજેટ શાસન અધિકારી ડૉ.એલ.ડી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ગત વર્ષના બજેટ કરતા ચાલુ વર્ષે રૂ. 27 કરોડ વધુનું બજેટ મૂકવામાં આવ્યું છે. એમએમસી સંચાલિત સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલનો યુનિફોર્મ એક જ રહેશે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીથી લઈ વર્ગ ચારના તમામ કર્મચારીઓને સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ જેવો જ યુનિફોર્મ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાયમરી એજ્યુકેશન ફંડના રૂપિયા 1094 કરોડના બજેટમાં રૂ. 947 કરોડ પગાર પેન્શન પાછળ વિદ્યાર્થીઓના વિકાસ શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિ પાછળ રૂ. 67 કરોડ અને માળખાકીય સુવિધાઓ પાછળ રૂ. 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
એએમસી સ્કૂલ બોર્ડના શાસન અધિકારી ડૉ. એલ. ડી. દેસાઈએ સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજ્ય મહેતા અને વાઇસ ચેરમેન વિપુલ સેવકની હાજરીમાં રૂ.1094 કરોડનું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉભી કરવામાં આવશે. જેના માટે રૂ. 80 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને શાળાલક્ષી કાર્યો તેમજ શિક્ષણમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના એમ. થેન્નારેસન સહિતના અધિકારીઓ પોતાનો મોટીવેશનલ સ્પીચ મારફતે બાળકોને મોટીવેટ કરે તેવી રીતનું આયોજન કરવામાં આવશે સાથે તેઓમાં સ્કિલ ડેવલોપમેન્ટ થાય તેના માટે વિવિધ તાલીમો આપવામાં આવશે.
તેમણે વધુ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો, શિક્ષકો અને પેન્શનરો વગેરેને સ્કૂલ બોર્ડની ઓળખ મળી રહે તેના માટે હવે RFID કાર્ડ આપવામાં આવશે. જેમાં સ્કેન કરતાની સાથે જ તેઓની તમામ માહિતી મળી રહેશે. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ રમી શકે તેના માટે સ્પોર્ટ્સ સંકુલ પણ બનાવવામાં આવશે. સ્કૂલમાં બેલ અને સાઉન્ડ સિસ્ટમ માટે 1 કરોડ, શાળામાં બ્લેક ગ્રીન સ્માર્ટ બોર્ડ માટે 3 કરોડ, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 10 કરોડ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ-સિગ્નલ સ્કૂલ પાછળ 3 કરોડ, શાળાઓના નવીનીકરણ માળખાકીય સુવિધા વગેરે પાછળ 58 કરોડ ખર્ચ કરવામાં આવશે.