અમદાવાદઃ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. એએમસી દ્વારા શહેરના નાગરિકોને પણ શહેરને સ્વચ્છ રાખવા માટે અપિલ કરવામાં આવી છે. દરમિયાન શહેરના જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારાઓ સામે દંડનિય કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એએમસીના પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિરાટનગર, નિકોલ, રામોલ ઓઢવ, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જાહેર રોડ ઉપર બહાર ગંદકી જોવા મળતા કુલ 22 દુકાનોને સીલ કરવામાં આવી હતી. જાહેર રોડ પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉત્પાદન કરનારા એવા કુલ 93 જેટલી દુકાનોને નોટિસ આપી રૂ. 1.16 લાખનો દંડ વસૂલ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના ખાતા દ્વારા શહેરના નિકોલ વિસ્તારમાં ફૂટપાથ ઉપર મોબાઈલ ટાવર ઊભુ કરવાનાર કંપની પાસેથી ફૂટપાથને નુકસાન પહોંચાડવા બદલ 1.23 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા નિકોલ વોર્ડમાં સેલ ફોર કોમર્શિયલ હેતુના પ્લોટમાં થયેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્લોટમાં ઊભી કરવામાં આવેલી નર્સરી, ચબૂતરો, ત્રણ શેડ ગલ્લો જેવા દબાણોને દૂર કરી પ્લોટ દબાણ મુક્ત કર્યો હતો. જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવા બદલ પૂર્વ વિસ્તારમાં 60 જેટલા વાહનોને લોક મારી રૂ. 17,200 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.