Site icon Revoi.in

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ગંદકી કરતાં 59 એકમોને AMC દ્વારા કરાયા સીલ,

Social Share

અમદાવાદઃ શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યૂસન્સ કરતા એકમ સામે  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.ના  સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી જાહેર રસ્તા પર ન્યૂસન્સ અને ગંદકી કરતા એકમ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દક્ષિણ ઝોન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં 59 એકમ સીલ કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના  સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા, ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમ તેમજ પાનના ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધ પ્લાસ્કિટનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા અને ડસ્ટબિન ન રાખતા એકમો વિરૂદ્ધ જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા 129 એકમોને નોટિસ આપી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ બે દિવસમાં 59 એકમ સીલ કરવામાં આવ્યા હતા. જેમાં બહેરામપુરા વોર્ડમાં આવેલા ડાહ્યાભાઇ પાર્કમાં રેસિડેન્સિયલ એરિયામાં જાહેર પાણી વહેડાવવા બદલ રૂપિયા 10 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ દક્ષિણ ઝોન વિભાગે દંડ પેટે રૂપિયા 1 લાખ 55 હજાર વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિના  ઉત્તર ઝોન વિભાગે પણ જાહેર રસ્તા પર ન્યૂસન્સ અને ગંદકી કરતા એકમ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરતા તેમજ ડસ્ટબિન ફરજિયાત રાખવા માટે ધંધાર્થીઓને રોજ 38 નોટિસ તેમજ રૂપિયા 17300 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. એએમસી કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં વહેલી સવારે ચેકિંગ હાથ ધરાવામાં આવ્યું હતું. વહેલી સવારે ચેકિંગ દરમિયાન અનેક બેદરકારી સામે આવી હતી. જે અંતર્ગત કમિશનરના આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં દરેક ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી હાથ ધરી છે.