અમદાવાદઃ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે એએમસી દ્વારા ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મ્યુનિ.દ્વારા શહેરીજનોને ઘરદીઠ સુકો અને ભીંનો કચરા માટે ડસ્ટબીન પણ અપાયા છે. ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી એજન્સી દ્વારા લાપરવાહી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. ત્યારે એએમસીના વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવતા કચરો એકત્ર કરવામાં લાપરવાહી દાખવવામાં આવતી હોવાનું જણાતા એજન્સીઓને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં સ્વચ્છતાને લઈ લોકોના ઘરે ઘરેથી કચરો એકત્રિત કરતી ડોર ટુ ડોર ગાડીઓ મારફતે પણ સ્વચ્છતા અભિયાનને લઈ એએમસી દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે ડોર ટુ ડોરની ગાડીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એએમસીના વિજિલન્સ ખાતા દ્વારા ચેકિંગ દરમિયાન ડોર ટુ ડોરની કેટલીક ગાડીઓમાં સાયરન બંધ, લાયસન્સ વગર ગાડીઓ ચલાવવામાં આવતી હોવાનું તેમજ એજન્સીના નામ મોબાઈલ નંબર ન હોવા વગેરે અંગેની ખામીઓ જણાઈ આવી હતી. જેના પગલે એજન્સીઓ પાસેથી રૂ. 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના રેફ્યુઝ સ્ટેશન પર ડોર ટુ ડોરની કચરાની ગાડીઓ આવતી હોય છે, ત્યારે વિજિલન્સ ખાતા દ્વારા જુદા જુદા ઝોનમાં ખાતા દ્વારા ચેકિંગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓ યુનિફોર્મ વગર તેમજ લાઇસન્સ વિના, સોસાયટી લિસ્ટ લગાવ્યા નહોતા તેના કારણે એજન્સી દીઠ રૂપિયા પાંચ લાખનો દંડ બે વાર વસૂલવા જણાવવામાં આવ્યું છે. શહેરમાં સ્વચ્છતાને લઈ એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લોકોના ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવા માટે ડોર ટુ ડોર ગાડીઓ ચલાવવામાં આવતી હોય છે.