Site icon Revoi.in

AMCએ કેચપીટો સાફ કરવા 25 કરોડનો ખર્ચ કર્યો, પણ વરસાદી પાણી ભરાશે તેની ગેરંટી નહીં

Social Share

અમદાવાદઃ શહેરમાં હવે એકાદ સપ્તાહ બાદ મેઘરાજાનું આગમાન થશે. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે. દર વર્ષે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન બનાવીને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ વખતે ચોમાસા પહેલા જ કેચપીટો સાફ કરવા માટે રૂપિયા 25 કરોડનો ખર્ચ કરાયો છે. છતાંયે કેટલાક એવા વિસ્તારો છે, કે જ્યાં પાણી નહીં ભરાય તેની કોઈ ગેરંટી નથી.

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કરીને વિવિધ કામો કરવામાં આવ્યા છે. જેમાં ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે 63775 કેચપીટ તેમજ 105 કિલોમીટર લંબાઈની ડ્રેનેજ લાઈન ડીશિલ્ટિંગ કરાઈ છે. 130 વોટર લોગિંગ સ્પોટ પર પાણી ન ભરાય તે માટે કેચપીટની સફાઈ કરવામાં આવી છે. દર વર્ષે કેચપીટની સફાઈ કરાયા બાદ પણ પાણી ભરાતા હતા. આ વખતે પ્રી-મોન્સૂન એક્શન પ્લાન માટે મ્યુનિ.એ 25 કરોડનો ખર્ચ કરવા છતાં પણ 130 વોટર લોગિંગ સ્પોટમાંથી 102 જગ્યાએ એવું કામ કરાયું છે જ્યાં પાણી ભરાય તો પણ ઝડપથી ઉતરી જાય. સાથે વાસણા બેરેજના પાણીના લેવલ પર સતત મોનિટરિંગ કરાશે. એવો એએમસીના અધિકારીઓ દાવો કરી રહ્યા છે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં 130 સ્થળે લગાવેલા કેમેરા તેમજ અન્ય 36 કેમેરા મળી કુલ 2385 કેમેરાથી કયા પાણી ભરાયું છે તેનું મોનિટરિંગ કરાશે. આ કેમેરાને ઓરેન્જ, યલો અને બ્લુ કેટેગરીમાં વહેંચાયા છે. જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં ઓરેન્જ જ્યાં મધ્ય કક્ષાનું પાણી ભરાય છે ત્યાં યલો અને પાણી ભરાવાની શક્યતા નથી તેને બ્લુ કેમેરાની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. તેમજ મ્યુનિ.માં ભળેલા બોપલ, ઘુમા, કઠવાડા સહિતના વિસ્તારમાં પાણીના નિકાલ માટે માંડ 8 કિલોમીટરની જ લાઇનો નાંખવામાં આ‌વી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલા 20 કરોડની રકમ બાદ પણ આ વિસ્તારમાં પાણી નહીં જ ભરાય તે કહેવું મુશ્કેલ છે.  ઉપરાંત ખારીકટ કેનાલમાં પૂર્વના વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે ત્યાં અત્યારે ચાલી રહેલી કામગીરી અટકાવાશે. તે માટે 67 સંમ્પ તથા 113 પંપ મુકવામાં આવ્યા છે. જેથી ખારીકટ કેનાલમાંથી પાણીનો ઝડપથી નિકાલ થઇ શકે. તમામ ઝોનમાં થઇને 24 કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. મોનિટરીંગ માટે કર્મચારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. 21 અંડર પાસમાં હેવી કેપેસીટીના પમ્પો મુકાયા છે જેથી પાણીનો ઝડપી નિકાલ થાય 63735 કેચપીટોની સફાઇ કરાઇ છે. (File photo)