Site icon Revoi.in

અમદાવાદમાં ખાસ ઈમારતોને યુનિક આઈડેન્ટિ કોડ આપવા માટે AMC ગુગલ સાથે MOU કરશે

Social Share

અમદાવાદઃ શહેરમાં તમામ મિલ્કત ધારકોને યુનિક આઈડેન્ટી કોડ આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન ગુગલ સાથે એમઓયું કરશે. જોકે શહેરમાં લાખો મિલ્કત ધારકો છે, એટલે આ કામ એટલું સહેલું પણ નથી. પણ જો દરેક મિલ્કતોને આઈડેન્ટી કોડ આપવામાં આવે તો તે ઘણીબધી બાબતોમાં ઉપયોગી સાબીત થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આવશ્યક ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કૉડની જેમ સર્ચ એન્જિન ગૂગલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની હદમાં આવતી દરેક મિલક્તો જેમ કે ઘર, કોમર્શિયલ, ચાલ અને ખાસ ઇમારતોને યુનિક આઇડેન્ટિ કૉડ પૂરો પાડશે. આ માટે એએમસી ગૂગલ સાથે એક સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાના આગોતરા તબક્કામાં હોવાનું પણ જાણવા મળ્યુ છે. ગૂગલ શહેરની પ્રત્યેક મિલ્કતને જિયોટેગ પૂરો પાડશે જેના કારણે આ મિલ્કતોને યુનિક આલ્ફાન્યુમેરિક ડિજીટલ આઇડી પૂરો પડાશે. જેથી ગૂગલના ‘પ્લસ કૉડ્ઝ’ની જેમ જ શહેરમાં યુનિક એડ્રેસ સિસ્ટમ (યુએએસ) વિકસાવી શકાય. એક વખત યુએએસ કૉડ ગૂગલ મેપ્સમાં નાખવામાં આવશે કે તેનાથી ફૂડ અને કન્સાઇનમેન્ટની ડિલીવરી કરી શકાશે, એમ્બ્યુલન્સ અને કેબ્સ બોલાવી શકાશે, મેઇલ પેકેટ્સ મેળવી શકાશે તેમજ લોકોને જે તે વ્યક્તિને એડ્રેસ સુધી સહેલાઇથી પહોંચવામાં મદદ મળી રહેશે.

સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિક આઇડી અમદાવાદીઓનુ નવુ સ્માર્ટ એડ્રેસ બનશે. મ્યુનિ. કોર્પોરેશને ગૂગલનો છ મહિના પહેલા શહેરની મિલ્કતોને નકશા પર ચડાવવા માટે સંપર્ક કર્યો હતો. છેલ્લા છ મહિનાથી વાટાઘાટો ચાલી રહી છે પરંતુ કેટલાક ગંભીર મુદ્દાઓ જેમ કે લોકોની ગોપનીયતા બાબતે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. જોકે ગૂગલની કેલિફોર્નીયાને બદલે ભારતની ઓફિસ આ પ્રક્રિયામાં સામેલ થાય તો જ એમઓયુ પર હસ્તાક્ષર કરવાની મ્યુનિ. કોર્પોરેશને તૈયારી બતાવી હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૂગલે પૂણે અને કોલકાતા જેવા ભારતીય શહેરોને તેના પ્લસ કૉડ એડ્રેસીસમાં સમાવ્યા છે. અમદાવાદ શહેરમાં 20 લાખથી વધુ મિલક્તો છે જેમાંથી ફક્ત 15 લાખ મિલક્તો જ મિલ્કત વેરા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલી છે. યુએએન અથવા મિલ્કતના યુનિક એડ્રેસીસ 20 આલ્ફાન્યુમેરિક અક્ષરોનો સમુહ છે. એએમસી પ્રાથમિક ધોરણે મિલ્કતો માટે મિલ્કતોને કૉડ આપવા માટે ગૂગલની મદદ લઇ શકે છે. સૂત્રોના અનુસાર આ પ્રક્રિયા બાદ મિલ્કતવેરો ન ભરતી પ્રોપર્ટીઓની પણ ઝડપથી ઓળખ કરી શકાશે. પરિણામે કોર્પોરેશનની આવકમાં વધારો થશે.