AMC દ્વારા 100 આંગણવાડીઓ સ્માર્ટ બનાવાશે, બાળકો માટે TV રમકડાં સહિત અદ્યત્તન સુવિધા હશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાનું કામ ચાલુ છે. અને બાકીની આગણવાડીઓને તબક્કાવાર સ્માર્ટ બનાવી દેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાના બાળકો માટે ચાલતા પ્લે હાઉસ કરતાં પણ સારી સુવિધાઓ સાથેની સ્માર્ટ આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાના બાળકો રમતા રમતા ભણતર મેળવી શકે તેના માટે 16 જેટલી સ્માર્ટ આંગણવાડીઓ બનાવી દીધી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓની કામગીરી હાલમાં ચાલુ છે. શહેરમાં 100 જેટલી સ્માર્ટ આંગણવાડીઓ વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવશે.
અ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની યોજના અંતર્ગત પોતાના મકાન ધરાવતી 100 આંગણવાડીઓને નવીનીકરણ (સ્માર્ટ આંગણવાડી)ની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આંગણવાડીમાં પ્રાથમિક જરૂરીયાત મુજબ અદ્યત્તન કરાશે. નવી સ્માર્ટ આંગણવાડીઓમાં બેઝીક સેનિટેશન રીનોવેશન, પાણી/આર.ઓ, એજયુકેશનલ પેઈન્ટિંગ, પ્લે ગ્રાઉન્ડ એરીયા, ધાબા પર જરૂરી વોટર પ્રુફીંગ, આંગણવાડીમાં અંદર જરૂરી પ્લાસ્ટર/ટચઅપ, પી.વી.સી/વુડન ફ્લોરીંગ, ઈલેક્ટ્રીંક ફિટીંગ, સ્માર્ટ TV વીથ કંટેન 43″, રમકડાં વગેરે સુવિધા હશે. 65 આંગણવાડી કેન્દ્રોને સ્માર્ટ બનાવવાની કામગીરી માર્ચ 2025 સુધી પૂર્ણ કરવામાં આવશે. CSR યોજના અંતર્ગત આ સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવનાર છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને એક પણ રૂપિયાનો ખર્ચ થશે નહીં.