અમદાવાદઃ શહેરમાં લાખો પ્રોપર્ટીધારકોને એએમસીનો ઘરવેરો ભરવામાં સુગમતા રહે તે માટે હવે પ્રોપર્ટી ટેક્સના બિલોમાં ક્યુઆર કોડ અપાશે. એટલે લોકો ઘેરબેઠા પ્રોપર્ટીટેક્સ ભરી શકશે. હાલ એએમસી દ્વારા વર્ષ 2023-24ના પ્રોપર્ટી ટેક્સના બિલો ક્યુઆર કોડ સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે આવતા મહિને બિલ વિતરણનું કાર્ય શરૂ કરવામાં આવશે. અને સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પ્રોપર્ટીધારકોને બીલો મળી જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા મિલકતધારકો હવે ઓનલાઈન ટેક્સના નાણાં QR કોડ સ્કેન કરી ભરી શકશે. ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવતા બિલમાં જ QR કોડ સ્કેન કરવામાં આવ્યો છે. જે સ્કેન કર્યા બાદ સીધા ઓનલાઈન નાણા ચૂકવી શકશે. કોઈ પણ પ્રકારની માહિતી તેમને ભરવાની રહેશે નહીં. આમ હવે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધતા લોકો પોતાના બિલ ઓનલાઈન ભરી શકશે. આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ટેક્સના બિલ વહેલા અપાવવામાં આવ્યા છે. બે મહિના પહેલા બિલ છપાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં હવે લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકે તેના માટે QR કોડ પણ ટેનામેન્ટ નંબર મુજબ મૂકવામાં આવ્યા છે. જેને સ્કેન કરી લોકો ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. હાલમાં મધ્ય ઝોન એટલે કે શહેરના કોટ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ છે. જેના કારણે તેના સિવાયના અન્ય છ ઝોનમાં ટેક્સ બિલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે. કુલ ત્રણ તબક્કામાં બિલ વહેંચણીની કામગીરી કરવામાં આવશે જેમાં હાલમાં પ્રથમ તબક્કામાં બિલ વહેંચણી કરવામાં આવી રહી છે ત્યારબાદ બીજા તબક્કામાં તા,1લી ઓગસ્ટથી બિલ વહેંચણી શરૂ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના સુધીમાં તમામ મિલકત ધારકોને ટેક્સ બિલ મળી જાય તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા તબક્કા બાદ 1લી ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર માસ સુધીમાં ચાલુ વર્ષના ટેક્સ બિલ પહોંચશે, બિલમાં આપવામાં આવેલા QR કોડ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ મોબાઈલ નંબર +91 7567855303 પર Hi લખીને મેસેજ કરે તો ચેટબોટ મારફતે પણ તેઓ પોતાના ટેક્સ બિલ મેળવી અને આપેલી લીંક ઉપરથી નાણાંની ચૂકવણી કરી શકશે. આમ હવે લોકોને સિવિક સેન્ટર પર જઈ અને બિલ ભરવાની જરૂરિયાત રહેશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે. કે, મ્યુનિ.ના ટેક્સ વિભાગમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે હવે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરંતુ સિવિક સેન્ટર ઉપર ઓનલાઈન ક્યુ આર કોડ સ્કેન કરીને અથવા તો લિંક મારફતે પેમેન્ટ કરવાની સિસ્ટમ ગોઠવવામાં આવી નથી. ભૂતકાળમાં ટેક્સ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારમાં સેન્ટરો ઉપરથી જ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું