અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારા પાસે દંડ લેવા ગયેલા AMCના કર્મીઓને ધોઈ નાંખ્યા
અમદાવાદઃ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ સામે ફરિયાદો મળ્યા બાદ મ્યુનિ.ના અધિકારીઓ ચેકિંગ કરવા માટે શહેરના ઈસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાકમાર્કેટ પહોંચ્યા હતા. અને ચેકિંગ શરૂ કરતા વેપારીઓ ઉશ્કેરાયા હતા. અને 10 શખસોએ એકઠા થઈને મ્યુનિ.ના કર્મચારીઓને ઢોર માર મારતા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ સોલીડવેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી કરનારા લોકો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરનારા વેપારીઓને ત્યાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાક માર્કેટમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરીનો સ્ટાફ જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ કરતો હતો. ત્યારે કેટલાક શાકભાજીવાળા અને દુકાનદારોએ આ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને મ્યુનિ.ના કર્મચારીઓને માર મારી ત્યાંથી ભગાડ્યા હતા. 8થી 10 લોકોએ ભેગા મળી અને આ કર્મચારીઓને માર મારતા તેઓને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનારા વેપારીઓને ત્યાં ચેકિંગ કરી અને તેઓની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રાજન પરમારે જણાવ્યું હતું કે, ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી શાકમાર્કેટમાં સાંજેના સમયે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બાબતે ચેકિંગ કરી અને દંડ લેવાની કાર્યવાહી થઈ હતી. તેમાં પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ અન્ય જગ્યાએ અમારો સ્ટાફ દંડ લેવા ગયો ત્યારે દુકાનદાર વૃદ્ધ કેટલાક શાકભાજીવાળા તેમજ અન્ય લોકોને ઉશ્કેરી લઈ આવ્યા બાદ મ્યુનિ.ના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્રણ જેટલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં કચેરી ફેકનારા લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં કડક નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે કેટલાક આવા વેપારીઓ જેઓ પોતે નિયમોનું પાલન નથી કરતા અને તેઓની સામે કાર્યવાહી થાય છે. ત્યારે સરકારી કર્મચારીઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે જેની સામે પણ હવે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.